‘આગ અને બરફની જોડી….’ પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડ્યા બાદ કેપ્ટન સૂર્યએ શું કહ્યું? | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

‘આગ અને બરફની જોડી….’ પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડ્યા બાદ કેપ્ટન સૂર્યએ શું કહ્યું?

દુબઈ: એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાની ક્રિકેટ ટીમને ફરી ધૂળ ચટાડી. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યા બાદ સુપર-4 સ્ટેજમાં 6 વિકેટે (IND beats PAK Asia cup) હરાવ્યું. ભારતની જીત માટે સૌથી મહત્વનું યોગદાન ઓપનીંગ બેટર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલે આપ્યું, બંને વચ્ચે થયેલી 105 રનની પાર્ટનરશીપને કારણે ભારતને મજબુત શરૂઆત મળી. મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક અને શુભમનની જોડીના ભરપુર વખાણ કર્યા.

પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે 172 રનનો ટાર્ગેટ મુક્યો. ભારત તરફથી ઓપનીંગ કરવા ઉતરેલા અભિષેક શર્માએ 39 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં તેણે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. સામે છેડે શુભમન ગિલે 28 બોલમાં 47 રનની શ્નાદાર ઇનિંગ રમી જેમાં તેણે આઠ ચોગ્ગા ફટકર્યા, બંને વચ્ચે 105 રનની ઓપનિંગ પાર્ટનરશીપ થઇ.

મેચ બાદ અભિષેક અને શુભમનનો જોડીના વખાણ કરતા ભરતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, “તેઓ એકબીજા માટે ખૂબ સારા પાર્ટનર છે, તે આગ અને બરફની જોડી છે.”

અભિષેક અને શુભમનને આપેલી મજબુત શરૂઆતને કારણે, તેમના પછી આવેલા બેટર્સ માટે બાકીનું કામ સરળ થઇ ગયું. સાત બોલ બાકી રહેતા ચાર વિકેટે 174 રન બનાવીને ભારતે જીત મેળવી. તિલક વર્માએ પણ 19 બોલમાં અણનમ 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જેમાં તેણે બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા.

બુમરાહ વિષે સુર્યાએ શું કહ્યું:

ગઈ કાલની મેચમાં ભારત તરફથી શિવમ દુબેએ ૩૩ રન આપીને બે વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી, પણ ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નિષ્ફળ રહ્યો હતો, તેણે 4 ઓવરમાં 45 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઇ શક્યો. બુમરાહના પરફોર્મન્સ અંગે કેપ્ટન સૂર્યાએ કહ્યું, “કોઈ વાંધો નહીં, તે રોબોટ નથી, કયારેક તેનો દિવસ પણ ખરાબ રહી શકે છે. દુબેએ અમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા.”

પાકિસ્તાન સામે ભારતની ફિલ્ડીંગ ખરાબ રહી હતી, ખેલાડીઓએ ત્રણ કેચ છોડ્યા અને મિસફિલ્ડ પણ કરી હતી. સુર્યાએ કહ્યું, “જે ખેલાડીઓએ એ ફિલ્ડીંગમાં સારું પ્રદર્શન કર્યું ન હતું તેમને અમારા ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે ઈમેઈલ કર્યા.”

આપણ વાંચો:  સુપર-મુકાબલામાં પણ ભારતના હાથે પાકિસ્તાન પરાસ્ત…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button