ભારત 41 રનથી જીતીને ફાઇનલમાંઃ શ્રીલંકા આઉટ

અભિષેકના ધમાકા પછી બોલર્સે અપાવ્યો એક-તરફી વિજયઃ દુબે, સૅમસન, કુલદીપે છોડ્યા કૅચ
દુબઈઃ ભારતે (20 ઓવરમાં 6/168) અહીં બુધવારે બાંગ્લાદેશ (19.3 ઓવરમાં 10/127)ને એશિયા કપના સુપર-ફોર રાઉન્ડમાં 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે નૉકઆઉટ મૅચ રમાશે જે જીતશે એ રવિવારની ફાઇનલમાં ભારત સાથે ટકરાશે. આ ફૉર્મેટનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકા આઉટ થઈ ગયું છે.
ભારતના સૌથી વધુ ચાર પૉઇન્ટ છે, જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશના બે-બે પૉઇન્ટ છે અને શ્રીલંકાએ હજી આ રાઉન્ડમાં ખાતું નથી ખોલાવ્યું. દરેક દેશે આ રાઉન્ડમાં ત્રણ-ત્રણ મૅચ રમવાની છે અને ટોચની બે ટીમ ફાઇનલમાં જાય એવું ફૉર્મેટ છે. ભારતની હવે ફક્ત શ્રીલંકા સામેની મૅચ બાકી છે.
બાંગ્લાદેશના બૅટ્સમેનોમાં ઓપનર સૈફ હસને સૌથી વધુ 69 રન કર્યા હતા. પરવેઝ એમોને 21 રન કર્યા હતા અને બીજો કોઈ પણ બાંગ્લાદેશી બૅટ્સમૅન ડબલ-ડિજિટમાં નહોતો પહોંચ્યો.

મૅચની છેલ્લી પળોમાં એક તબક્કે વરુણની ઓવરમાં હાર્દિકના હાથમાં આવી રહેલો કૅચ શિવમ દુબે ઝીલવા ગયો હતો, પણ નહોતો ઝીલી શક્યો. જોકે પછીના બૉલ પર જ વિકેટ પડી હતી. વિકેટકીપર સંજુ સૅમસને પણ વરુણના બૉલમાં કૅચ ડ્રૉપ કર્યો હતો અને છેલ્લી ઓવરમાં કુલદીપથી કૅચ નહોતો ઝીલી શકાયો.
જોકે ફરી એક વાર કુલદીપ યાદવ તમામ બોલર્સમાં સૌથી સફળ થયો હતો. તેણે 18 રનમાં ત્રણ તેમ જ બુમરાહ, વરુણે બે-બે વિકેટ અને અક્ષર પટેલ તથા તિલકે એક-એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ ભારતે છ વિકેટના ભોગે 168 રન કર્યા હતા જેમાં એકમાત્ર અભિષેક શર્મા (75 રન, 37 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી સામેલ હતી. તેની અને ગિલ (19 બૉલમાં 29 રન) વચ્ચે 6.1 ઓવરમાં 77 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બીજી મોટી ભાગીદારી નહોતી થઈ શકી અને સમયાંતરે વિકેટ પડવાને લીધે ભારતીય ટીમ બાંગ્લાદેશને 169 રનનો સાધારણ લક્ષ્યાંક આપી શકી હતી. અંતિમ બૉલ પર આઉટ થયેલા હાર્દિક (29 બૉલમાં 38 રન) અને અક્ષર પટેલ (15 બૉલમાં 10 રન) વચ્ચે 39 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ છેલ્લી પળોમાં તેમના ઘણા ડૉટ બૉલને કારણે ભારત પોણાબસો રન પણ નહોતું કરી શક્યું.
અભિષેક શર્મા અફલાતૂન ઇનિંગ્સ રમીને કમનસીબે રનઆઉટ થયો હતો. સૂર્યકુમાર સાથેની થોડી મૂંઝવણ બાદ તેણે વિકેટ ગુમાવી હતી. મુસ્તફિઝુરનો હાથ સ્ટમ્પ્સ પર ગયો ત્યારે તેના હાથમાં બૉલ નહોતો એવું પહેલાં એક ઍન્ગલ પરથી જણાયું હતું, પરંતુ બીજા ઍન્ગલમાં થર્ડ અમ્પાયરને ખાતરી થઈ હતી કે મુસ્તફિઝુરે રનઆઉટ કર્યો ત્યારે બૉલ તેના હાથમાં જ હતો. તેની વિકેટ વખતે ભારતનો સ્કોર 3/112 હતો અને થોડી જ વારમાં સૂર્યાએ પણ વિકેટ ગુમાવી હતી.
રવિવારે પાકિસ્તાન સામે અભિષેકે 39 બૉલમાં પાંચ સિક્સર, છ ફોર સાથે 74 રન કર્યા હતા. બુધવારે ટી-20 ઇન્ટરનૅશનલમાં ચોથી અને એશિયા કપમાં સતત બીજી હાફ સેન્ચુરી હતી.
ભારતને પ્રથમ બૅટિંગનું આમંત્રણ મળ્યું એ સાથે જ સૌની નજર ઇન્ફૉર્મ બૅટ્સમૅન અભિષેક શર્મા તેમ જ શુભમન ગિલની ઓપનિંગ જોડી પર હતી અને તેમણે 77 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. લિટન દાસ આ મૅચમાં ન હોવાથી વિકેટકીપર જાકર અલીએ સુકાન સંભાળ્યું હતું. બાંગ્લાદેશની ટીમમાં ચાર ફેરફાર કરાયા હતા અને ટૉસ વખતે જાકર અલીને ચારમાંથી બે ખેલાડીના નામ યાદ નહોતા આવ્યા. ભારતે વિનિંગ ટીમ જાળવી રાખી હતી.
ગુરુવારે બાંગ્લાદેશનો મુકાબલો પાકિસ્તાન સામે
દુબઈમાં બાંગ્લાદેશે બુધવારે ભારત સામે રમ્યા પછી હવે ગુરુવારે ફરી આ જ મેદાન પર પાકિસ્તાન સામે મહત્ત્વની મૅચ (રાત્રે 8.00 વાગ્યાથી) રમવાની છે. એક તો બાંગ્લાદેશનો સુકાની લિટન દાસ ઈજાગ્રસ્ત હોવાથી બુધવારે ભારત સામે ન રમી શક્યો અને એવામાં તેની ટીમે બે દિવસમાં બે મોટા મુકાબલા કરવાના હોવાથી ટીમના ખેલાડીઓ થાકને કારણે ખરાબ પર્ફોર્મ કરી રહ્યા છે.