નવી પેઢીના કટ્ટર હરીફો વચ્ચે આજે દુબઈમાં દંગલ
પાકિસ્તાન સામે વિરોધનો વંટોળ છતાં ભારતીયોમાં જોશ, ઝનૂન અને ખૂન્નસ: રાત્રે 8.00 વાગ્યે જંગ શરૂ

દુબઈ: ક્રિકેટ જગતના સર્વોત્તમ મુકાબલાનો સમય આવી ગયો છે જેમાં આજે (રાત્રે 8.00 વાગ્યાથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયા કપ (Asia cup)માં રસાકસી થશે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજો ટી-20માંથી નિવૃત્ત થઈ ગયા હોવાથી આ હાઇ-વૉલ્ટેજ મુકાબલામાં ભારત (India)ની ટીમમાં તેમની ગેરહાજરી જરૂર વર્તાશે, પરંતુ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવીઓ તેમ જ યુવાન ટૅલન્ટેડ ખેલાડીઓ આવી મોટી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન (Pakistan)ને હરાવવાની પરંપરા જાળવી રાખશે એમાં કોઈ શંકા નથી.
પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા જૂના ખેલાડીઓ સામેલ નથી અને તેમની ગેરહાજરીમાં સલમાન આગાની ટીમે મેન ઈન બ્લુ સામે આકરી કસોટી આપવી પડશે.
ઇતિહાસ ચેઝ કરનારી ટીમની તરફેણમાં
2014થી માંડીને અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી આઠમાંથી સાત ટી-20માં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમનો વિજય થયો છે. એમાં સફળ ચેઝવાળી ત્રણ મૅચ દુબઈમાં રમાઈ હતી.

હાર્દિક પંડ્યા નંબર વન વિકેટ-ટેકર
બંને ટીમના વર્તમાન ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા સૌથી વધુ વિકેટ લઈ ચૂક્યો છે. પાકિસ્તાન સામેની છ ટી-20 મૅચમાં તેણે 13 વિકેટ મેળવી.
પિચ રિપોર્ટ શું કહે છે?
દુબઈની પિચ હાઈ-સ્કોરિંગ નથી. છેલ્લા બે વર્ષમાં રમાયેલી 36 ટી-20 મૅચમાં ફર્સ્ટ ઈનિંગ્સનો સરેરાશ રન-રેટ 7.7 રહ્યો છે. આ સમયગાળામાં ફાસ્ટ બોલર્સે વધુ વિકેટ (441માંથી 277) મેળવી છે. જોકે સ્પિનર્સનો ઇકોનોમી રેટ (8.36 સામે 7.03) વધુ સારો છે. વરસાદની સંભાવના નથી, પરંતુ ગરમી એની અસર જરૂર બતાડશે.

બંને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાન: સલમાન આગા (કેપ્ટન), સઇમ અયુબ, સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન, હસન નવાઝ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, સુફિયાન મુકીમ, શાહીન શાહ આફ્રિદી અને અબ્રાર અહમદ.
આ પણ વાંચો…જંગ જબરદસ્તઃ ભારત રવિવારે પાકિસ્તાન સામેનો મુકાબલો જીતવા માટે ફેવરિટ