IND vs PAK: ભારતીય ટીમ મેદાનમાં આ રીતે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવશે!

દુબઈ: એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાવવાની છે, પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ બંને ટીમ વચ્ચે પહેલી વાર ક્રિકેટ મેચ રમાવવાની (IND vs PAK Asia cup 2025) છે, ત્યારે આ મેચ હાઈ વોલ્ટેજ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ભારતમાં વિપક્ષી પાર્ટીઓ અને કેટલાક સંગઠનો દ્વારા આ મેચનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મેચ રદ કરવાની માંગ ઉઠી રહી છે. પરંતુ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે એશિયા કપ મલ્ટીલેટરલ ઇવેન્ટ હોવાથી મેચ તો રમાશે જ. એવામાં અહેવાલ છે કે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રતીકાત્મક રીતે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવી શકે છે
નોંધનીય છે કે એશિયા કપ 2025નું સત્તાવાર યજમાન ભારત છે, પરંતુ કેટલાક કારણોસર આ ટુર્નામેન્ટ યુનાઇટેડ અરબ અમીરાત(UAE)માં યોજાઈ રહી છે. ભારત-પાકિસ્તાન મેચનો ભારતમાં વિરોધ થઇ રહ્યો છે, સોશિયલ મીડિયા પર BCCIની વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે અને મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પરની ચર્ચાઓ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી છે. ભારતીય ખેલાડીઓએ પોતાની રીતે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવશે એવા અહેવાલો છે.
આ રીતે નોંધાવી શકે છે વિરોધ:
મેચ ભારતથી દુર દુબઈમાં રમાવવાની માટે સ્ટેડીયમના દર્શકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવે કે પ્લેકાર્ડ બતાવવામાં આવે એવી ઓછી શક્યતાઓ છે. પરંતુ મેદાનમાં ભારતીય ખેલાડીઓ પ્રતીકાત્મક વિરોધ નોંધાવી શકે છે.
અહેવાલ મુજબ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ હાથ મિલાવવાનું ટાળી શકે છે. ખેલાડીઓ જર્સી પર કાળી પટ્ટીઓ બાંધી શકે છે. આ ઉપરાંત અન્ય રીતે પણ વિરોધ નોંધાવી શકે છે. મેચ દરમિયાન બંને ટીમમાં ખેલાડીઓ વચે બોલચાલ પણ થઇ શકે છે.
મેચ પહેલા શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે કહ્યું કે ભારતીય કેમ્પ મેચ વિશે લોકોની લાગણીઓથી વાકેફ છે. કોચ ગૌતમ ગંભીરે તમામને સ્પષ્ટ કહ્યું છે કે પ્રોફેશનલ રહો, આપણા હાથમાં ના હોય એવી બાબતોની ચિંતા ના કરો.
નોંધનીય છે કે વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બાઈલેટરલ સિરીઝ યોજાતી નથી, વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે એશિયાકપ કેવી મલ્ટીલેટરલ ઈવેન્ટ્સમાં જ બંને ટીમો આમને સામને આવે છે, માટે ક્રિકેટ ચાહકો આવી ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચની રાહમાં હોય છે, ત્યારે આજે રસાકસીભર્યા મુકાબલાની આશા છે.