સુપર ઓવરના ડ્રામામાં શનાકાને રનઆઉટ કેમ નહોતો અપાયો?

દુબઈઃ અહીં શુક્રવારે એશિયા કપ (Asia cup)ના સુપર-ફોર રાઉન્ડની ભારત-શ્રીલંકા વચ્ચેની અંતિમ મૅચ મધરાત બાદ સુપર ઓવર (super over)માં જતાં સ્થિતિ ખૂબ રોમાંચક અને દિલધડક થઈ ગઈ હતી
જેમાં અર્શદીપ સિંહની એ સુપર ઓવરમાં દાસુન શનાકા (Dasun Shanaka)ને પહેલાં તો અમ્પાયરે કૅચઆઉટની અપીલમાં આઉટ આપ્યો હતો અને ત્યાર બાદ શનાકા ક્રીઝની બહાર આવી જતાં સૅમસને તેને રનઆઉટ પણ કર્યો અને એનીયે અપીલ કરાઈ હતી. જોકે છેવટે બંને કિસ્સામાં શનાકાને નૉટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાં મામલો ગૂંચવાઈ ગયો હતો અને ઘણાને નવાઈ લાગી હતી કે શનાકાને રનઆઉટ કેમ નહોતો આપવામાં આવ્યો?
નિસન્કાની યાદગાર સદી પાણીમાં
ભારત (5/202) અને શ્રીલંકા (5/202) વચ્ચેની મુખ્ય સુપર-ફોર મૅચ ટાઈ થઈ હતી એટલે સુપર ઓવર શરૂ કરવામાં આવી હતી. પથુમ નિસન્કા (107 રન, 58 બૉલ, છ સિક્સર, સાત ફોર)ની યાદગાર સદી એળે ગઈ હતી.
સર્વત્ર રોમાંચ વચ્ચે મૂંઝવણ
સુપર ઓવરમાં અર્શદીપનો ચોથો બૉલ યૉર્કર હતો જેમાં શનાકા વિરુદ્ધ કૉટ બિહાઈન્ડની અપીલ થઈ હતી. અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો અને પળવારમાં શનાકા ક્રીઝની બહાર પણ આવી જતાં સૅમસને તેને રનઆઉટ કરી દીધો હતો અને એની પણ અપીલ કરાઈ હતી.
એ પહેલા શનાકાએ ડીઆરએસમાં થર્ડ અમ્પાયર માસુદુર રહમાનની મદદ લીધી હતી. મેદાન પર જોરદાર મૂંઝવણ ચાલતી હતી અને હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી દર્શકો પણ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. મેદાન પરના અમ્પાયરે શનાકાને કૉટ બિહાઇન્ડની અપીલમાં આઉટ આપ્યો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો.

ક્રિકેટનો કાયદો શું કહે છે?
ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)નો એક કાયદો કહે છે કે બૅટ્સમૅનની વિકેટ વિશે થયેલી અપીલમાં તેને આઉટ અપાય કે ન અપાય એ પહેલાં એ વિકેટને લગતી ઘટના બની એ ક્ષણે જ બૉલ ડેડ થઈ ગયો કહેવાય. ત્યાર પછી જે કંઈ બને એ ગણતરીમાં ન લેવાય.
શુક્રવારની સુપર ઓવરના કિસ્સામાં શનાકા વિરુદ્ધ કૉટ બિહાઈન્ડની અપીલ થઈ એ સાથે જ બૉલ ડેડ થઈ ગયો હતો અને ત્યાર પછી સૅમસને તેને રનઆઉટ પણ કર્યો હતો. જોકે કૉટ બિહાઇન્ડની અપીલ વખતે જ બૉલ ડેડ થઈ ગયો હોવાથી રનઆઉટની અપીલને ધ્યાનમાં લેવાનો કોઈ સવાલ જ નહોતો.
કોચ જયસૂર્યાના નિવેદને સ્થિતિ વધુ સ્પષ્ટ કરી
નિયમ કહે છે કે ` ભારતીય ફીલ્ડર્સે કૅચ માટે અપીલ કરી અને તેને આઉટ અપાયો એટલે શનાકાએ થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી. ત્યાર પછી તેને રનઆઉટ પણ કરાયો. જોકે હંમેશાં પ્રથમ નિર્ણયને જ ગણતરીમાં લેવાતું હોય છે, બીજા નિર્ણયને નહીં.
પ્રથમ અપીલમાં તેને આઉટ અપાયો એટલે તેણે ત્રીજા અમ્પાયરની મદદ લીધી હતી જેમાં તેમણે તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો. બસ, ખરી સ્થિતિ આ જ હતી. જોકે એકંદરે મને લાગે છે કે નિયમની બાબતમાં થોડી મૂંઝવણ રહી છે એટલે નિયમને વધુ સ્પષ્ટ બનાવવાની જરૂર તો છે જ.’
જોકે શનાકા પછીના જ બૉલમાં (અર્શદીપના પાંચમા બૉલમાં) આઉટ થયો હતો અને શ્રીલંકાએ તેની એ બીજી વિકેટ પણ ગુમાવી દેતાં સુપર ઓવરમાં શ્રીલંકાનો દાવ પૂરો થયો હતો. શ્રીલંકાના ફક્ત બે રન થયા હતા અને પછીથી શુભમન ગિલ સાથે ઓપનિંગમાં આવેલા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા જ બૉલમાં ત્રણ રન દોડીને ભારતને વિજય અપાવી દીધો હતો.
આ પણ વાંચો…એશિયા કપની પ્રથમ સુપર ઓવરના થ્રિલરમાં ભારત જીત્યું…