IND vs PAK Final: પાક. અધ્યક્ષ ટ્રોફી લઈ ગયા, BCCIનું અલ્ટિમેટમ – ‘તાત્કાલિક પરત કરો’

દુબઈ/નવી દિલ્હીઃ એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો પરંતુ જીત બાદ ભારતે ટ્રોફી અને મેડલ લેવાનો ઈનકાર કર્યો હતો. જો કે ભારતના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ફરી એક વખત અણધાર્યો વિવાદ સર્જાયો હતો, કારણ કે ભારતના ઈનકાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. જેના પર BCCIએ સખત વાંધો ઉઠાવ્યો છે.
BCCIનો આક્ષેપ અને અલ્ટિમેટમ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ PCB અધ્યક્ષ મોહસિન નકવી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ભારતીય ટીમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ જાય.
સૈકિયાએ આ ઘટનાને રમતની ભાવના વિરુદ્ધ ગણાવી હતી અને નકવીને ટ્રોફી તાત્કાલિક પરત કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે BCCI આ મુદ્દે નવેમ્બરમાં યોજાનારી ICC બેઠકમાં ઔપચારિક ફરિયાદ પણ નોંધાવશે.
ભારતની ટીમે કેમ ન લીધી ટ્રોફી, જાણો હકીકત?
દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર હતો, જેના પણ ભારતની ટીમનું એક ચોક્કસ કારણ છે. તેમણે કહ્યું કે ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી નહીં લે જે ભારત વિરુદ્ધ વૈરભાવ રાખે. 2022ના એશિયા કપનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે શ્રીલંકાએ ટૂર્નામેન્ટ જીતી હતી.
ત્યારે તત્કાલીન ACC અધ્યક્ષ જય શાહે ટ્રોફી આપવાને બદલે અન્ય વ્યક્તિ દ્વારા ટ્રોફી આપવાની વ્યવસ્થા કરી હતી. સૈકિયાનું કહેવું છે કે નકવી પણ આવું કરી શક્યા હોત, પરંતુ તેમણે ટ્રોફી પોતાની સાથે લઈ જઈને ખોટો સંદેશ આપ્યો હતો.
આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમની જીતને ‘ઓપરેશન સિંદૂર’ સાથે સરખાવીને ટ્વીટ કર્યું, જેમાં તેમણે ખેલજગતમાં ભારતની જીતને વધાવી હતી અને એના જવાબમાં સૈકિયાએ કહ્યું હતું કે દુબઈના મેદાનમાં ખેલાડીઓએ જે રીતે પાકિસ્તાનને હરાવ્યું, તે દુશ્મન દેશની ‘મૂર્ખામીભરી હરકતો’નો કડક જવાબ છે. તેણે ભારતીય ટીમની જીતને ગૌરવપૂર્ણ ગણાવી હતી.
સૈકિયાએ ઉમેર્યું કે BCCI હંમેશાં ભારત સરકારની નીતિઓનું પાલન કરે છે. તેણે સ્પષ્ટ કર્યું કે ભારત છેલ્લા 12-15 વર્ષથી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ રમી નથી રહ્યું, પરંતુ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવો જરૂરી છે, નહીં તો આંતરરાષ્ટ્રીય સંઘો ભારત પર પ્રતિબંધ મૂકી શકે છે.
આ વિવાદ બાદ BCCI ICC બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે, જેનાથી ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ શકે છે. અહીં એ જણાવવાનું કે ફાઈનલ મેચ જીત્યા પછી સૂર્યકુમાર યાદવે પીસીબીના પ્રમુખ મોહસીન નક્વીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ મોહસીન નક્વી સ્ટેજ પર ઊભા રહ્યા હતા, ત્યાર પછી ટીમ ઈન્ડિયા ટ્રોફી વિના હોટેલ પહોંચી હતી, પરંતુ મોહસીન નક્વી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા હતા.