IND vs PAK એશિયા કપ ફાઇનલ; પાકિસ્તાનના આ 5 ખેલાડીઓ બાજી પલટી શકે છે

દુબઈ: એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ડિફેન્ડીંગ ચેમ્પિયન છે, આ ટુર્નામેન્ટમાં પ્રદર્શન જોતા ભારતીય ટીમ આ ટાઈટલ ડિફેન્ડ કરી શકશે એવી શક્યતા વધુ છે.
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી વખત મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે અને સુપર ફોર સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આજે ફાઈનલમાં પણ ભારત પાકિસ્તાનને હરાવે તેવી શક્યતા વધુ છે, પરંતુ પાકિસ્તાન પાસે એવા ખેલાડીઓ છે, જે બાજી પલટી શકે છે. જો મેચ જીતવી હશે તો ભારતીય ટીમેં પાકિસ્તાનના આ પાંચ ખેલાડીઓને પરાસ્ત કરવા પડશે.
આ પણ વાંચો: આજે ભારત-પાક વચ્ચે એશિયા કપ ફાઇનલ: બંને કટ્ટર હરીફ ટીમોમાં છે આ નબળાઈઓ
સાહિબજાદા ફરહાન:
પાકિસ્તાનનો ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહા સારા ફોર્મમાં છે. એશિયા કપ 2025માં ભારત સામે ગ્રુપ સ્ટેજની મેચમાં તેણે 40 રન બનાવ્યા હતાં, જ્યારે સુપર ફોર મેચમાં તેણે ફિફ્ટી ફટકારી હતી. જ્યારે પાકિસ્તાનીની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેણે ટીમને ઉગારવાની કોશીશ કરી હતી. ભારતીય બોલરોએ સાહિબજાદા ફરહાને રોકવો પડશે, ખાસ કરીને ટીમના ફાસ્ટ બોલરો પર આ જવાબદારી રહેશે.
ફખર ઝમાન:
ફખર ઝમાન પાસે ભારત સામે રમવાનો ખાસો અનુભવ છે, મિડલ ઓર્ડરમાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં ફખરે 17 રન બનાવીને બનાવ્યા હતાં, સુપર-4 સ્ટેજમાં ભારત સામે ઓપનીંગ કરવા ઉતારેલા ફખરે આક્રમક બેટિંગ કરી હતી અને પરંતુ મોટી ઇનિંગ ન રમી શક્યો. ભારત સામે ફખરનો રેકોર્ડ સારો છે, તેથી જો ભારતીય બોલરો તેને વહેલા આઉટ કરવો પડશે, નહીં તો તે ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
શાહીન આફ્રિદી:
પાકિસ્તાનની અનુભવી લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર શાહ આફ્રિદી નવા બોલથી ભારતીય બેટર્સ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ભારતીય ટીમની બેટિંગ લાઇન-અપે શાહીન સામે સાવધાનીપૂર્વક રમવું પડશે. ખાસ કરીને ઓપનર અભિષેક શર્માએ સાંભળીને રમવું પડશે. જોકે, છેલ્લી મેચમાં અભિષેકે શાહીનના પહેલા બોલ પર જ સિક્સર ફટકારી હતી. આ ટુર્નામેન્ટમાં શાહીને નવ વિકેટ લીધી છે. તે ડેથ ઓવરોમાં બેટિંગ કરીને મોટા શોટ પણ રમી શકે છે.
મોહમ્મદ હારિસ:
પાકિસ્તાનનો વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ હારિસ સારા ફોર્મમાં છે. જો કે એશિયા કપ 2025માં ભારત સામે તે સસ્તામાં આઉટ થઇ ગયો હતો, ગ્રુપ સ્ટેજ તે ફક્ત ત્રણ રન જ બનાવી શક્યો. સુપર-4 સ્ટેજમાં ભારત સામેની મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. જો હારીસ પીચ પર ટકી જાય તો તે મોટી ઇનિંગ રમવા સક્ષમ છે. ભારતીય બોલરોએ હારિસને ઓછા સ્કોર પર રોકવો પડશે.
સેમ અયુબ:
એશિયા કપ 2025માં ભારત સામેની બંને મેચ સેમ અયુબ કઈ ખાસ ન કરી શક્યો. ગ્રુપ સ્ટેજની મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે સુપર-4 સ્ટેજની મેચ તેણે 21 રન બનાવ્યા હતાં. ભારત ઉપરાંત અન્ય ટીમો સામે પણ તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પરંતુ બોલિંગમાં સારું પ્રદર્શન કરતા તેને આઠ વિકેટ ઝડપી હતી.