ક્રિકેટ જગતમાં મોહમ્મદ સિરાજનો ડંકો વગાડ્યો! ICCએ આપ્યું આ મોટું સન્માન

મુંબઈ: T20 ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપ 2025 માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં હીરો રહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને એશિયા કપની ટીમમાં સ્થાન નથી મળ્યું. પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ મોહમ્મદ સિરાજને મોટું સન્માન આપ્યું છે, સિરાજને પ્લેયર ઓફ ધ મન્થ (Mohammed Siraj ICC player of the month) જાહેર કરવામાં આવ્યો છે.
ICCએ સિરાજને ઓગસ્ટ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થનું સન્માન આપ્યું છે. ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રાવાસ દરમિયાન સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો વગર રમી રહેલી ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ 2-2 બરાબર કરાવવામાં મોહમ્મદ સિરાજે સૌથી મોટો ફાળો આપ્યો હતો.
પાંચમી મેચના છેલ્લા દિવસે શાનદાર બોલિંગ કરીને સિરાજે ભારતીય ટીમને 6 રનથી જીત આપાવી હતી. તેણે બંને ઇનિંગ મળીને 9 વિકેટ લીધી.
સિરાજે આનંદ વ્યક્ય કર્યો:
ICCએ આ સન્માન આપ્યા બાદ સિરાજે કહ્યું, “ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મળવો એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણી ખૂબ જ યાદગાર રહી અને તે મારી કારકિર્દીની સૌથી મુશ્કેલ કોમ્પિટિશન રહી. મને એ વાતનો ગર્વ છે કે મહત્વપૂર્ણ સમયે હું ટીમ માટે યોગદાન આપી શક્યો. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તેમની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે બોલિંગ કરવી પડકારજનક હતી, પરંતુ તેનાથી મારું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર આવ્યું.”
સિરાજે કહ્યું, “આ એવોર્ડ જેટલો મારો છે એટલો જ મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ છે. તેમના સતત પ્રોત્સાહન અને વિશ્વાસે મને પ્રેરણા આપી. હું સખત મહેનત કરતો રહીશ અને ભારતીય જર્સી પહેરીને હંમેશા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.”
આ પણ વાંચો…ભારતનો જયજયકાર…