‘ક્રિકેટ જગતમાં ભારત મજાક બનીને રહી જશે’, પાકિસ્તાનના આ ખેલાડીએ કરી બહિષ્કારની અપીલ

દુબઈ: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ સેરેમની દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ચેમ્પિયન ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યાર બાદ નકવીએ ટ્રોફી અને મેડલ મેદાનની બહાર લઇ જવા આદેશ આપ્યો. ભારતીય ટીમે ટ્રોફી વગર જ સેલિબ્રેશ કર્યું. આ ઘટનાની ક્રિકેટ જગતમાં ખુબ ચર્ચા થઇ રહી છે, બંને પક્ષે વિવિધ દલીલો આપવામાં આવી રહી છે, એવામાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) ને અપીલ કરી છે કે હવે ક્યારેય ભારત સાથે મેચ ન રમવી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર કામરાન અકમલે એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલા એશિયા કપ 2025 ની ફાઈનલ મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન જે બન્યું તે પછી, PCBએ નીચું નમવું ન જોઈએ, આગામી મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સમાં ભારતીય ટીમ સામે રમવાનો ઇનકાર કરવો જોઈએ.
નોંધનીય છે કે ACC ના વડા મોહસીન નકવી PCBના વડા અને પાકિસ્તાનના ગૃહ પ્રધાન પણ છે. ભારતીય ટીમનો આરોપ છે કે ACCના વડાના પદ પર હોવા છતાં ટુર્નામેન્ટ દરમિયાન નકવીએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમ વિરોધી પોસ્ટ શેર કરી હતી. ભારતીય રીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની મનાઈ કરી હતી, બીજી તરફ નકવી પણ પોતાના વલણ પર અડગ રહ્યા, જેને કારણે પ્રેઝેન્ટેશનમાં 45 મિનીટનું મોડું થયું.
ભારતના બહિષ્કારની અપીલ?
અકમલે પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું,”PCBએ તાત્કાલિક જાહેર કરવું જોઈએ કે હવે ક્યારેય ભારત સામે મેચ નહીં રમીએ, ચાલો જોઈએ કે ICC શું પગલાં લે છે. હજુ તમને બીજા કયા પુરાવાની જરૂર છે? પરંતુ BCCI વ્યક્તિ ICCનું નેતૃત્વ કરી રહ્યો છે – તેઓ (જય શાહ) કેવી રીતે કોઈ પગલાં લેશે? અન્ય દેશોના બોર્ડે એક સાથે આવવું પડશે, અને અપીલ કરવી જોઈએ કે અમે ક્રિકેટમાં આ સહન નહીં કરીએ. રમત કોઈના ઘરે રમાતી નથી. જો અન્ય દેશો ભારત સામે નહીં રમે, તો પૈસા પણ નહીં આવે.”
ક્રિકેટ જગતમાં ભારત મજાક બનીને રહી જશે:
અકમલે કહ્યું, “આ બાબતો પર જેટલી વહેલી તકે નિયંત્રણ કરી શકાય, તેટલું બધા માટે સારું. પાકિસ્તાન અને ભારત વિના એક તટસ્થ સંસ્થા બનાવવી જોઈએ. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડના લોકોની એક સમિતિ બનાવવી જોઈએ અને તેમને આ ટુર્નામેન્ટમાં બનેલી તમામ ઘટનાઓ અંગે શું પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ.”
અકમલે કહ્યું, “આ ટુર્નામેન્ટમાં આપણે જોયું છે કે ભારતીય ટીમે ક્રિકેટને ખુબ નુકસાન પહોંચાડ્યું છે. તેઓ સતત હલકી હરકતો કરતા આવ્યા છે. PCB અને ACC પ્રમુખે સાચો નિર્ણય લીધો – ટ્રોફી ફક્ત પ્રમુખ દ્વારા જ આપવામાં આવશે, ભલે તમે સ્વીકારો કે ન સ્વીકારો, ક્રિકેટ જગતમાં ભારત મજાક બનીને રહી જશે.”
આપણ વાંચો: BCCI VS PCB: બીસીસીઆઈ સામે પીસીબીની કેટલી છે નેટવર્થ, જાણશો તો ચોંકી જશો!