Video: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મર્યાદા ભૂલ્યા! ‘હેન્ડ શેક વિવાદ’ પર ભારતીય ટીમની અભદ્ર મજાક ઉડાવી | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

Video: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મર્યાદા ભૂલ્યા! ‘હેન્ડ શેક વિવાદ’ પર ભારતીય ટીમની અભદ્ર મજાક ઉડાવી

મુંબઈ: ગત સપ્ટેમ્બર મહિનામાં રમાયેલા T20 એશિયા કપ 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આ ત્રણેય મેચ કેટલાક વિવાદોને કારણે ચર્ચામાં રહી. ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતાં. આ ‘હેન્ડ શેક વિવાદ’ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચર્ચામાં રહ્યો. હવે જયારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા ટુર માટે રવાના થઇ છે, ત્યારે ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ ભરતીય ટીમની મજાક ઉડાવતા હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલીયા ટૂર દરમિયાન ભારતીય ટીમ ત્રણ ODI અને પાંચ T20I મેચ રમશે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ ફરી મેદાનમાં જોવા મળશે. એ પહેલા ઓસ્ટ્રેલીયન પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓએ ભારતીય ટીમને પડકાર ફેંક્યો છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના ભરતીય ટીમના નિર્ણયની મજાક ઉડાવી છે.

ભારતીય ખલાડીઓની અભદ્ર મજાક:

કાયો સ્પોર્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક એન્કર કહી રહ્યો છે, “આપણે બધા જાણીએ છીએ કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા આવવા રવાના થઇ ગઈ છે, પરંતુ અમે તેમની એક ગંભીર નબળાઈ શોધી કાઢી છે.”

અન્ય એકરે કહ્યું, “આપણે જાણીએ છીએ કે તેઓ પરંપરાગત અભિવાદન (હાથ મિલાવવા) નું પસંદ કરતા નથી, તેથી અમે બોલ ફેંકીએ તે પહેલાં જ તેમને હરાવી શકીએ છીએ.”

ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓનું અભિવાદન કરવાની અલગ અલગ રીતો સૂચવે છે.

વિડીયોમાં T20I અને ODI માટે ઓસ્ટ્રેલીયન ટીમનો કેપ્ટન મિશેલ માર્શ પણ જોવા મળે છે, અને ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ સાથે મળીને “ફિંગર ઇન આઈસ કપ”નું જેસ્ચર કરે છે.

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની સ્પિનર સોફી મોલિનેક્સે ભારતીય ટીમની મજાક ઉડાવ પહેલા બાવડા બતાવ્યા અને પછી બંને હાથ ઊંચા કરીને મિડલ ફિંગર બતાવી.

ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ગોળી મારવાની એક્શન કરીને કહ્યું, “શૂટર વિષે શું કહેવું છે?”

ક્લિપનો અંત માર્શ, હેઝલવુડ, ગ્રેસ હેરિસ અને એન્કર તમામ અટ્ટ હાસ્ય કરે છે.

ઓસ્ટ્રેલીયન ખેલાડીઓનો મર્યાદા વટાવી:
નોંધનીય છે કે અગાઉ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે બોલચાલની ઘટના બની છે, ખાસ કરીને જ્યારે ભારતીય ટીમ ક્રિકેટ રમવા માટે ઓસ્ટ્રેલીયા જાય ત્યારે મેદાનની બહાર પણ ભરતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લે જ્યારે ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલીયા ગઈ હતી, ત્યારે ઓસ્ટ્રેલીયન મીડિયાએ ભારતીય ટીમ વિષે વાંધાજનક રીપોર્ટીંગ કર્યું હતું. ભારતીય ખેલાડીઓ પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતાં.

અગામી સિરીઝમાં પણ કેટલાક વિવાદ સર્જાય એવી પૂરી શકયતા છે, પણ આ વિડીયોમાં ઓસ્ટ્રેલીયન ખેલાડીઓનો મર્યાદા વટાવી છે. યજમાન ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ મેહમાન ટીમનું માન જાળવવાનું ભૂલી ગયા છે. એવામાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ખેલદિલી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલીયન ખેલાડીઓને પોતાની રમતથી કડક જવાબ આપે તેવી અપેક્ષા છે.

આપણ વાંચો:  ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઇ; વિરાટ-રોહિતને જોવા એરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button