પહેલી વાર એશિયા કપમાં રમેલા ઓમાન સામે પાકિસ્તાને સાત વિકેટ ગુમાવી! | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

પહેલી વાર એશિયા કપમાં રમેલા ઓમાન સામે પાકિસ્તાને સાત વિકેટ ગુમાવી!

પાકિસ્તાનમાં જન્મેલો સ્પિનર જ સલમાન આગાની ટીમને ભારે પડ્યો

દુબઈઃ રવિવારે ભારત દુબઈ (Dubai)ના જે મેદાન પર પાકિસ્તાન સામે રમવાનું છે એ જ ગ્રાઉન્ડ પર પાકિસ્તાની ટીમ શુક્રવારે ઓમાન જેવી નવીસવી ટીમ સામે સાત વિકેટ ગુમાવી બેઠું હતું. પાકિસ્તાને (Pakistan) પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં સાત વિકેટે 160 રન કર્યા હતા અને ઓમાન (Oman)ને 161 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાનમાં જ જન્મેલો અને ઓમાન વતી રમતો લેફ્ટ-આર્મ સ્પિનર આમીર કલીમ પાકિસ્તાનની ટીમને સૌથી ભારે પડ્યો હતો. તેણે 31 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

ઓમાન પહેલી જ વાર એશિયા કપમાં રમી રહ્યું છે. પહેલાં તો પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી ત્યાર પછી પહેલી જ ઓવરની શરૂઆતમાં પાકિસ્તાને પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. શાહ ફૈઝલ નામના બોલરના બીજા જ બૉલમાં 41 ટી-20 ઇન્ટરનૅઈનલ સહિત 60થી પણ વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા ઓપનર સઇમ અયુબે પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી. તે એલબીડબ્લ્યૂમાં શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

પાકિસ્તાનના 160 રનમાં વિકેટકીપર મોહમ્મદ હારિસ (66 રન, 43 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ભારત સામે ભૂતકાળમાં સારું પર્ફોર્મ કરી ચૂકેલો ફખર ઝમાન 23 રને અણનમ રહ્યો હતો, જ્યારે ઓપનર સાહિબઝાદા ફરહાને 29 રન કર્યા હતા.

ઓમાન વતી આમીર કલીમ ઉપરાંત શાહ ફૈઝલે પણ ત્રણ વિકેટ લીધી હતી. ઓમાનના કુલ સાત બોલરે પાકિસ્તાન પર આક્રમણ કર્યું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button