આજે ભારત-પાક વચ્ચે એશિયા કપ ફાઇનલ: બંને કટ્ટર હરીફ ટીમોમાં છે આ નબળાઈઓ

દુબઈ: આજે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે, આ મેચ એટલા માટે વધુ મહત્વની રહેશે કેમ કે આ મેચમાં બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામને હશે. આ એક જ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાની ટીમને બે વાર હરાવી ચુકી છે, પરંતુ ફાઈનલ મેચના પરિણામ જ ટુર્નામેન્ટનું ચેમ્પિયન કોણ હશે એ નક્કી કરશે. ફાઈનલ મેચ હાઇ-વોલ્ટેજ રહે તેવી શક્યતા છે. ત્યાર બંને ટીમોમાં કેટલાક ખેલાડીઓના પરફોર્મન્સ પર મેચના પરિણામનો આધાર રહેશે.
એશિયા કપ 2025માં સૌથી વધુ રન અભિષેક શર્મા એ બનાવ્યા છે અને સૌથી વધુ વિકેટ કુલદીપ યાદવે લીધી છે, ભારત માટે બંનેનું પરફોર્મન્સ ખુબ જ મહત્વનું રહ્યું છે. પરંતુ એવી પણ ચર્ચાઓ છે કે ભારતીય ટીમ બંને પર વધુ પડતો આધાર રાખી રહી છે.
અભિષેક-હાર્દિકને ઈજા!
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી, પરંતુ સુપર-4ની છેલ્લી મેચમાં શ્રીલંકાની ટીમ મેચને સુપર ઓવર સુધી લઇ ગઈ હતી. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને હેમસ્ટ્રિંગની ઈજાની પીડા ઉપાડી હતી, માત્ર એક ઓવર પછી તેણે મેદાન છોડવું પડ્યું હતું. અભિષેક શર્માને પણ ગરમીને કારણે ખેંચાણની તકલીફ થઇ હતી.
ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે જણાવ્યું હતું કે, હાર્દિકની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બંનેને ખેંચાણ છે, પરંતુ અભિષેક ઠીક છે.
સૂર્યકુમાર આશા મુજબ નથી રમ્યો!
સૂર્યકુમાર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે, પરંતુ એશિયા કપમાં ધાર્યા પ્રમાણે પ્રદર્શન નથી કરી શક્યો. શુભમન ગિલ સારી શરૂઆત બાદ લાંબી ઇનિંગ નથી રમી શક્યો. સંજુ સેમસન અને તિલક જેવા ખેલાડીઓએ નબળી ટીમ સામે જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતનો વધુ પડતો આધાર અભિષેક શર્મા પર રહ્યો છે, એવામાં પાકિસ્તાની ટીમ અભિષેક શર્માને ટાર્ગેટ બનાવીને રણનીતિ બનાવી શકે છે.
પાકિસ્તાનની નબળી બેટિંગ લાઈન અપ:
ભારતની ટીમમાં કેટલીક નબળાઈઓ છે, સામે પાકિસ્તાનમાં પણ ઘણી નબળાઈઓ છે. ટીમની બેટિંગ લાઈન અપ સતત ફ્લોપ જઈ રહી છે. સાહિબજાદા ફરહાન સિવાય, અન્ય બેટર્સ પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નથી. સૈમ અયુબ સુપર ફ્લોપ રહ્યો છે, ટુર્નામેન્ટમાં તે ચાર વખત શૂન્ય પર આઉટ થયો છે. હુસૈન તલત અને સલમાન અલી આગા ભારતીય સ્પિનરો સામે રમી નથી શક્યા. માટે ફાઈનલ મેચમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની ભૂમિકા મહત્વની રહેશે.
આજની મેચ હાઈ-વોલ્ટેજ રહી:
બાંગ્લાદેશ સામેની મેચ બાદ પાકિસ્તાનના હેડ કોચ માઇક હેસને જણાવ્યું હતું કે “હવે માત્ર ફાઇનલ મેચનું પરિણામ જ મહત્વનું છે ” ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કલે કહ્યું કે માત્ર જીત મહત્વની છે, ઓછી આકર્ષક જીત પણ જીત છે.
ટુર્નામેન્ટમાં પહેલી ભારત-પાકિસ્તાન મેચમાં હેન્ડ શેક વિવાદને કારણે ચર્ચામાં રહી, બીજી મેચમાં પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મિલાવ્યા. બીજી મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફે ફિલ્ડીંગ દરમિયાન વિમાન તોડી પાડવાનાં કરેલા ઇશારા ચર્ચામાં રહ્યા.
પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસીન નકવી તેમના ‘X’ પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ કરી રહ્યા છે. આ એટલા માટે મહત્વનું છે કેમ કે નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા પણ છે. એવામાં આજની મેચ ખુબ જ રોમાંચક રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…ભારત ફાઇનલ જીતશે તો પછીથી સ્ટેજ પર થોડો વિવાદ તો થશે જ!