એશિયા કપના ફાઈનલમાં પહેલીવાર ભારત vs પાકિસ્તાન; જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

દુબઈ: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ ચુકી છે, હવે આ જ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં પણ બંને ટીમો આમને સામને (IND vs PAK Asia Cup 2025 Final) હશે. એશિયા કપના ઇતિહાસમાં આ પહેલી વાર ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.
એશિયા કપ 2025ની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7.30 વાગ્યે થશે.
એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે, એક વાર ગ્રુપ સ્ટેજમાં અને એક વાર સુપર-4 સ્ટેજમાં. આ બંને મેચો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાઈ હતી.
ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું, સૂર્યકુમાર યાદવે 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું. સુપર-4 સ્ટેજની મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, જેમાં અભિષેક શર્માએ ધુંઆધાર બેટિંગ કરી હતી, તેણે 39 બોલમાં 74 રન બનાવ્યા. ફાઇનલમાં સૂર્યકુમાર યાદવ અને અન્ય ખેલાડીઓ પાકિસ્તાનને હરાવી ટાઈટલ જીતવા તૈયારી કરી રહ્યા છે.
T20I ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન હેડ ટૂ હેડ:
છેલ્લે સપ્ટેમ્બર 2022 માં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું, ત્યાર બાદ રમાયેલી તમામ પાંચ T20Iમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાઈ છે, જેમાંથી 12માં ભારતે જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 3 જ મેચ જીતી શક્યું છે. દેખીતી રીતે જ ભારત સામે પાકિસ્તાનની કોઈ હરીફાઈ નથી જણાઇ રહી.
ક્યાં જોઈ શકશો ફાઈનલ મેચ?
એશિયા કપના ઓફિસીયલ બ્રોડકાસ્ટર સોની સ્પોર્ટ્સ નેટવર્ક છે. આ મેચનું લાઈવ બ્રોડકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ અને ફેન કોડની એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે.
આ પણ વાંચો…ભારતની ત્રીજી લપડાક ખાવા પાકિસ્તાન આવી ગયું ફાઇનલમાં