મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટનની માફી માંગી, ICCએ આપી ક્લીન ચીટ! જાણો શું છે મામલો

દુબઈ: એશિયા કપ 2025માં ગઈ કાલે પાકિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપમાંથી હટાવવાની માંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ મેચ રમવા મોડી પહોંચી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ એશિયા કપના બહિષ્કારની ધમકી આપી હતી. PCBનો આરોપ છે કે રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાયક્રોફ્ટે પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગાને સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવા સુચન કર્યું હતું. અહેવાલ મુજબ હવે પાયક્રોફ્ટે પકિસ્તાન સલમાન અલી આગા અને તેમના ટીમ મેનેજરની માફી માંગી છે.
એક નિવેદન બહાર પડીને PCB એ જાહેરાત કરી છે પાયક્રોફ્ટે માફી માંગી લીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, “ICC ના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર અને કેપ્ટનની માફી માંગી છે. એન્ડી પાયક્રોફ્ટે ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોને તેમની મેચ દરમિયાન હાથ મિલાવવાની મનાઈ ફરમાવી હતી.”
PCBએ કહ્યું, “PCBએ એન્ડી પાયક્રોફ્ટના પગલાં પર કડક પ્રતિક્રિયા આપી હતી. એન્ડી પાયક્રોફ્ટે 14 સપ્ટેમ્બરની ઘટનાને મિસકમ્યુનિકેશન પરિણામ ગણાવ્યું અને માફી માંગી. ICC એ 14 સપ્ટેમ્બરની મેચ દરમિયાન થયેલી આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરવાની તૈયારી દર્શાવી છે.”
ICC એ પાયક્રોફ્ટને ક્લીન ચીટ આપી:
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે એન્ડી પાયક્રોફ્ટે માત્ર મિસકમ્યુનિકેશન માટે માફી માગી છે અને ICC ફક્ત ત્યારે જ ઘટનાની તપાસ કરશે, જ્યારે PCB પાયક્રોફ્ટની ભૂલ શું હતી તે અંગે વધુ પુરાવા રજૂ કરશે.
PCBએ અગાઉ ICC ને એક પત્ર મોકલી માગ કરી હતી કે પાયક્રોફ્ટ માફી માંગે અને અને UAE સામેની મેચમાંથી તેમને હટાવવામાં આવે.
અહેવાલ મુજબ ICC એ પાયક્રોફ્ટને ક્લીન ચીટ આપી છે, ICCએ સ્પષ્ટ કર્યું કે સમગ્ર ઘટનામાં પાયક્રોફ્ટનો કોઈ દોષ નથી. ICCએ PCBને જણાવ્યું કે મેચ ઓફિશીયલ્સની નિમણૂક એ ICCનો વિશેષાધિકાર છે, કોઈ એક બોર્ડના કહેવા પર તેને બદલી શકાય નહીં.
આપણ વાંચો: ગ્રુપ 4 સ્ટેજમાં ભારત સામે હારવા છતાં પાક ટીમ ફાઈનલમાં પ્રવેશી શકે છે! જાણો શું છે સમીકરણ