થર્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યા છતાં બેટર આઉટના ગણાયો! જાણો IND vs UAE મેચમાં શું બન્યું…

દુબઈ: ગઈ કાલે બુધવારે એશિયા કપ 2025માં ભરતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત કરી, યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સામેની મેચમાં ભારતે 9 વિકેટે સરળ જીત (IND vs UAE Asia cup) મેળવી.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી UAEની ટીમ માત્ર 57 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ. આ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેની પ્રશંસા કરવામાં આવી રહી છે.
ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરી અને UAEની એક પછી એક વિકેટ ખેરવી. UAEની ટીમ 13.1 ઓવરમાં માત્ર 57 રન પર ઓલ આઉટ થઇ ગઈ. કુલદીપ યાદવે 7 રન આપીને 4 અને શિવમ દુબેએ 4 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી.
13મી ઓવરમાં કંઇક એવું બન્યું….
UAEની બેટિંગ દરમિયાન 13મી ઓવરના ત્રીજા બોલ પર કંઈક એવું બન્યું જે શરૂઆતમાં કોઈને ના સમજાયું. શિવમ દુબે બોલિંગ કરી રહ્યો હતો, જુનૈદ સિદ્દીકી (Junaid Siddiqui) સ્ટ્રાઈકર એન્ડ પર હતો.
દુબે એ ફેંકેલા શોર્ટ બોલને સિદ્દીકીએ પુલ કરવાનો પ્રયાસ કર્યો, પણ ચૂકી ગયો. થોડી ક્ષણો બાદ અપીલ થઇ અને સ્ક્વેર લેગ અમ્પાયરે થર્ડ અમ્પાયરને ચેક કરવા અને નિર્ણય લેવા વિનંતી કરી. થર્ડ અમ્પાયરે ચેક કર્યું કે બોલ બેટની એજને અડ્યો છે કે નહીં, જેમાં સિદ્દીકીને ક્લીન ચીટ મળી.
ત્યાર બાદ સ્ક્રિન પર જોવા મળ્યું કે બોલ મિસ કર્યા બાદ સિદ્દીકી ક્રીઝની બહાર નીકળ્યો હતો પણ અંદર આવવાનો ખ્યાલ ના રહ્યો, એટલામાં વિકેટ કીપર સંજુ સેમસને બોલ વિકેટ પર માર્યો હતો. થર્ડ અમ્પાયરે સિદ્દીકી આઉટ આપ્યો, તેમ છતાં તે આઉટ ના થયો.
હકીકતે શું બન્યું હતું?
દુબે જ્યારે બોલ ફેંકી રહ્યો હતો ત્યારે તેણે કમરમાં ખોંસેલો ટુવાલ પડી ગયો હતો, બોલ મિસ કર્યા બાદ સિદ્દીકી દુબેના પડી ગયેલા ટુવાલ તરફ ઈશારો કરી રહ્યો હતો, અને ક્રિઝની અંદર આવવાનું ભૂલી ગયો હતો. એવામાં સેમસામે વિકેટ પર બોલ માર્યો હતો.
આમ સિદ્દીકી કાયદેસર રીતે આઉટ હતો પરંતુ થર્ડ અમ્પાયરે સ્ક્રિન પર નિર્ણય જાહેર કર્યા બાદ સૂર્યકુમાર યાદવ અમ્પાયર સાથે ચર્ચા કરતો જોવા મળ્યા, અમ્પાયરે શું થયું એ સમજાવ્યા બાદ સૂર્યાએ અપીલ પાછી ખેંચી લીધી, આમ થર્ડ અમ્પાયેરે આઉટ જાહેર કર્યા છતાં સિદ્દીકી આઉટ થયો નહીં અને બેટિંગ કરતો રહ્યો.
આ પણ વાંચો…ભારત નવ વિકેટે જીત્યુંઃ સ્પિનર્સના તરખાટ પછી અભિષેક-ગિલની આતશબાજી