એશિયા કપ 2025 ટ્રોફી લઈ ગયા બાદ મોહસીન નકવીએ માફી માંગી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે T20 એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ નકવી લાંબા સમય સુધી પોડિયમ પર ઉભા રહ્યા હતા. તેની બાદ નકવી બાદમાં ગુસ્સામાં સ્ટેડિયમ છોડીને એશિયા કપ ટ્રોફી અને ભારતીય ખેલાડીઓના મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. જોકે, તેમણે આ કૃત્ય બદલ હવે માફી માંગી લીધી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બેઠક યોજાઈ હતી
જોકે, ટ્રોફી વિવાદ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બેઠક યોજાઈ હતી. જેમાં પીસીબી ચીફ મોહસીન નકવીએ કહ્યું કે જે બન્યું તે ન થવું જોઈએ. જોકે, તેમણે ટ્રોફી અને મેડલ પરત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. આના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. નકવીએ માંગ કરી કે સૂર્યકુમાર યાદવ દુબઈ આવીને ટ્રોફી લે. ત્યારે બીસીસીઆઈએ જવાબ આપ્યો, જ્યારે તમે હાજર હતા ત્યારે તેમણે ટ્રોફી લીધી ન હતી. શું તમને લાગે છે કે તે હવે લેશે.
રિંકુ સિંહે વિનિંગ સ્ટ્રોક ફટકાર્યો હતો
ઉલ્લેખનીય છે કે, એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી અને કુલ 146 રન બનાવ્યા. ત્યારબાદ ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે માત્ર 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. જોકે, તિલક વર્માએ સારી બેટિંગ કરી હતી. તેમણે 69 રન બનાવ્યા અને અંતિમ ઓવરમાં ટીમને વિજય અપાવ્યો. તેમના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. જયારે રિંકુ સિંહે વિનિંગ સ્ટ્રોક ફટકાર્યો હતો. જયારે આ પૂર્વે પણ ભારતે સુપર ફોર અને ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
આપણ વાંચો: ACCની બેઠકમાં મોહસિન નકવીને રાજીવ શુક્લાએ આડે હાથ લીધા: જાણો શું કહ્યું