‘ફાઈનલ મેચનું પરિણામ જ મહત્વનું રહેશે’ પાકિસ્તાન ટીમના કોચે ભારતને પડકાર ફેંક્યો

દુબઈ: એશિયા કપ 2025માં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને બે વાર માત આપી છે. હવે બંને ટીમો ફાઈનલમાં આમને સામને હશે, પાકિસ્તાન આ મેચ જીતી શકે એવી શકયતા ઓછી છે. જો કે પાકિસ્તાની ટીમના હેડ કોચ માઈક હેસનનું માનવું છે કે ફાઈનલ મેચમાં પાકિસ્તાન ભારતને હરાવીને ટાઈટલ જીતી શકે છે, તેમણે કહ્યું કે ફાઈનલ મેચનું પરિણામ જ મહત્વનું છે.
સુપર-4 સ્ટેજની મેચમાં બાંગ્લાદેશને 11 રનથી હરાવીને પાકિસ્તાને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે, આ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં હેસનને પૂછવામાં આવ્યું કે રવિવારની ફાઇનલ મેચ માટે તેઓ ખેલાડીઓને શું સંદેશ આપશે?
આ પ્રશ્નના જવાબમાં કોચ હેસને કહ્યું, “અમે જાણીએ છીએ કે અમે 14 સપ્ટેમ્બર અને 21 સપ્ટેમ્બર રમાયેલી મેચમાં ભારત સામે હારી ગયા. પરંતુ હવે ફાઇનલ મેચ જ મહત્વની રહેશે. અમારું સંપૂર્ણ ધ્યાન તેના પર છે. અમે યોગ્ય સમયે અમારી શ્રેષ્ઠ રમત રમવાનો પ્રયાસ કરીશું.”
એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું, સૂર્યકુમાર યાદવે 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું. સુપર-4 સ્ટેજની મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, જેમાં અભિષેક શર્માએ ધુંઆધાર બેટિંગ કરી હતી, તેણે 39 બોલમાં 74 રન બનાવ્યા હતાં.
હેસને કહ્યું “હવે અમારે આ તકનો લાભ ઉઠાવવાનો છે. અમારું ધ્યાન હવે ટ્રોફી જીતવા પર છે, અને અમે હંમેશા જીત વિષે જ વિચારીએ છીએ.”
પાકિસ્તાનના મીડિયા મેનેજર નઈમ ગિલાનીને ભારતીય પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા હતાં. ભારત સામેની મેચ દરમિયાન વાંધાજનક ઈશારા કરનારા ખેલાડીઓ સામે ICC દ્વારા કરવામાં આવેલી સુનાવણી અંગે વિશે પૂછવામાં આવતા, કોચે કહ્યું, “મારો મેસેજ હાલ માત્ર રમત પર ધ્યાન આપવાનો અને અમે તે કરીશું. તમે આ બાબતો વિશે મારા કરતાં વધુ જાણો છો.”
આ પણ વાંચો…પાકિસ્તાનના સાહિબઝાદા અને રઉફને અટકચાળો ભારે પડ્યો, બીસીસીઆઈએ આઈસીસીમાં કરી ફરિયાદ