એશિયા કપમાં અર્શદીપનો ધમાકો: T20માં 100મી વિકેટ પૂરી કરી બન્યો સૌથી ઝડપી ફાસ્ટ બોલર

અબુ ધાબી: એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ ઓમાન સામેની મેચ 21 રનથી જીતી લીધી છે. આ મેચ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે એક ખાસ પ્રસંગ બની રહી, કારણ કે તેણે આ મેચમાં તેની 100મી T20 વિકેટ પૂરી કરી છે. અર્શદીપ સિંહ આ રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.
અર્શદીપે કેવી રીતે લીધી 100મી વિકેટ
અર્શદીપ સિંહે 2022માં ન્યુઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે વિકેટ ઝડપવામાં સતત સફળ રહ્યો છે. જોકે તાજેતરમાં ઓમાન સામેની T20 મેચમાં તેનું પ્રદર્શન જોઈએ તેવું સારું ન હતું. લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતા, તે ફોર્મમાં નહોતો. તે પાવરપ્લેમાં વિકેટ લેવામાં નિષ્ફળ ગયો અને તેના રિટર્ન સ્પેલમાં પણ ઘણા રન આપ્યા હતા. મેચની છેલ્લી ઓવર અર્શદીપના ભાગમાં આવી હતી અને ઓમાનનો વિનાયક શુક્લા રમી રહ્યો હતો. ઓવરના પહેલા શોર્ટ બોલ પર વિનાયક શુક્લાએ પુલ શોટનો પ્રયાસ કર્યો, જેના પરિણામે બોલ હવામાં ઉછળ્યો અને મિડ-ઓન પર રિંકુ સિંહે તેનો કેચ પકડ્યો હતો. આમ, અર્શદીપ સિંહે પોતાની 100મી વિકેટ પૂરી કરી છે.
જોકે, અર્શદીપ સિંહને પોતાની 100 વિકેટ પૂરી કરવા માટે તેને થોડી રાહ જોવી પડી હતી. જાન્યુઆરી 2025માં ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચોમાં તેને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. જેથી તે 99 વિકેટ પર અટકી ગયો હતો. ત્યાર બાદ એશિયા કપ પહેલા કોઈ T20 મેચ ન હોવાથી આ સિદ્ધિ માટે તેને આઠ મહિનાનો સમય લાગ્યો. એશિયા કપમાં પણ પ્રથમ બે મેચમાં ભારતે માત્ર એક ફાસ્ટ બોલર (જસપ્રીત બુમરાહ) સાથે રમવાનું પસંદ કર્યું હતું, જેના કારણે તેની રાહ વધુ લાંબી થઈ. આખરે ત્રીજી મેચમાં તેને તક મળી અને તેણે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે.
100મી વિકેટ સાથે અર્શદીપના નામે અનેક રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે, અર્શદીપ સિંહ માત્ર 100 T20 વિકેટ લેનાર પ્રથમ ભારતીય જ નથી, પરંતુ સૌથી ઝડપી ફાસ્ટ બોલર પણ બન્યો છે. તેણે માત્ર 64 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો. પૂર્ણ-સભ્ય દેશોમાં તે 100 વિકેટ લેનાર ત્રીજો સૌથી ઝડપી બોલર છે, જે ફક્ત રાશિદ ખાન (53 મેચ) અને વાનિન્દુ હસરંગા (63 મેચ) કરતાં પાછળ છે. ફાસ્ટ બોલરોમાં, તે હરિસ રઉફ (71 મેચ) અને માર્ક અડાયર (72 મેચ) કરતાં પણ આગળ છે. ટીમ ઈન્ડિયા હવે રવિવારે પાકિસ્તાન સામે તેમની આગામી મેચ રમશે.
આ પણ વાંચો…ગ્રુપ 4 સ્ટેજમાં ભારત સામે હારવા છતાં પાક ટીમ ફાઈનલમાં પ્રવેશી શકે છે! જાણો શું છે સમીકરણ