એશિયા કપની તૈયારીઓ વચ્ચે હાર્દિકની ઘડિયાળે લોકોનું ધ્યાન ખેચ્યું, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

ભારતીય ક્રિકેટર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અવાર નવાર પોતાની સ્ટાઈલ અને પર્સનલ લાઈફને લઈ લોકોની ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે. અત્યારના સમયમાં એશિયા કપ 2025ની તૈયારી ચાલી રહી છે. અને હાર્દિક પંડ્યાં એશિયા કપને લઈ પૂરજોશ તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે તેની સોનેરી હેરસ્ટાઈલ અને શાનદાર ઘડિયાળને લઈ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચાહકોને ઓટોગ્રાફ આપતો બિંદાસ અંદાજ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપ 2024માં તેમના શાનદાર પ્રદર્શન બાદ ક્રિકેટ ચાહકોને આશા છે કે હાર્દિક એશિયા કપમાં પણ જોરદાર પ્રદર્શન કરશે.
દુબઈમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યા ‘રિચર્ડ મિલ આરએમ 27-04’ નામની લક્ઝરી ઘડિયાળ પહેરીને મેદાનમાં ઉતર્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઘડિયાળની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે એશિયા કપની વિજેતા ટીમની ઈનામી રકમના આઠ ગણી છે. આ ઘડિયાળનું વજન માત્ર 30 ગ્રામ જેટલું છે અને ટેનિસ સ્ટાર રફેલ નડાલ પણ તેને શોખથી પહેરે છે. હાર્દિકે X પર આ ઘડિયાળ સાથેની તસવીર શેર કરી અને લખ્યું, “બેક ટૂ બિઝનેસ,” જેમાં તેઓ ટ્રેક પર દોડતા નજર આવે છે.
એશિયા કપ 2025ની વિજેતા ટીમને લગભગ 3 લાખ અમેરિકી ડોલર (અંદાજે 2.6 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળવાની છે, જ્યારે રનરઅપ ટીમને 1.5 લાખ અમેરિકી ડોલર (અંદાજે 1.3 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીને 14,209 અમેરિકી ડોલર (લગભગ 12.5 લાખ રૂપિયા) અને દરેક મેચના મેન ઓફ ધ મેચને 5000 અમેરિકી ડોલર (અંદાજે 4.34 લાખ રૂપિયા)નું ઈનામ મળશે. આ વખતે ઈનામી રકમમાં ગત વખતની સરખામણીએ વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ એશિયા કપનું ટાઈટલ 8 વખત જીતી ચૂકી છે અને આ વખતે 9મા ટાઈટલ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નિષ્ણાંતોનું માનવું છે આ વર્ષે પણ ઈન્ડિયા એશિયા કપનું ટાઈટલ જીતશે. ટીમનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે દુબઈમાં યુએઈ સામે થશે, જ્યારે હાઈવોલટેશ ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાવા જઈ રહી છે. હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડ ક્ષમતા આ ટૂર્નામેન્ટમાં ભારત માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો….એશિયા કપના પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને…