અફઘાનિસ્તાન જીત્યું: હૉંગ કૉંગે 94 રન કર્યા, 94 રનથી હાર્યું | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

અફઘાનિસ્તાન જીત્યું: હૉંગ કૉંગે 94 રન કર્યા, 94 રનથી હાર્યું

બે વિકેટ મુંબઈના ગુજરાતી સ્પિનરે લીધી!

અબુ ધાબીઃ અફઘાનિસ્તાને અહીં એશિયા કપની પ્રારંભિક મૅચમાં હૉંગ કૉંગને 94 રનથી હરાવીને વિજયી આરંભ કર્યો હતો. હૉંગ કૉંગની ટીમ 189 રનના લક્ષ્યાંક સામે 9 વિકેટે માત્ર 94 રનના સ્કોર કરી શકી હતી.

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ પસંદ કર્યા પછી નબળી શરૂઆત બાદ ફટકાબાજી કરીને છ વિકેટે 188 રન કર્યા હતા. અફઘાનિસ્તાને 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઓપનર સેદિકુલ્લા અટલે (અણનમ 73 રન, બાવન બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) છેક સુધી ક્રીઝમાં રહીને ટીમની આબરૂ સાચવી લીધી હતી. અઝમતુલ્લા ઓમરઝાઇએ પણ (53 રન, 21 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) ટીમને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

અટલ અને ઓમરઝાઈ વચ્ચે પાંચમી વિકેટ માટે 35 બૉલમાં 82 રનની ભાગીદારી થઈ હતી.

અફઘાનિસ્તાનની છમાંથી બે વિકેટ મૂળ મુંબઈના ગુજરાતી ઑફ-સ્પિનર કિંચીત દેવાંગ શાહે (3-0-24-2) લીધી હતી. તેણે મોહમ્મદ નબી તથા ગુલબદીન નઇબને આઉટ કર્યા હતા.

એ ઉપરાંત તેણે અફઘાનિસ્તાનના આક્રમક બૅટ્સમેનોને એક તબક્કે કાબૂમાં પણ રાખ્યા હતા. 29 વર્ષનો કિંચીત શાહ મૂળ તો બૅટિંગ-ઑલરાઉન્ડર છે. જોકે પછીથી તે બૅટિંગમાં ફ્લૉપ ગયો હતો. તે માત્ર છ રન કરીને નૂર અહમદના બૉલમાં કૅચઆઉટ થયો હતો.

એ અગાઉ, અફઘાનની બીજી બે વિકેટ ભારતીય મૂળના પેસ બોલર આયુષ શુક્લાએ મેળવી હતી અને એક-એક વિકેટ અતીક ઇકબાલ અને એહસાન ખાને લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button