એશિયા કપમાં અભિષેક શર્મા ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ બનતા મળી કરોડોની કાર, જાણો કિંમત?

ટુર્નામેન્ટમાં ક્યા ભારતીય ક્રિકેટર ચમક્યા અને કોનું રહ્યું ‘બેડલક’?
દુબઈઃ એશિયા કપમાં ચેમ્પિયન ભારત સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેની સાત મેચો દરમિયાન અજેય રહ્યું હતું. જોકે, શ્રીલંકાએ એક નજીવી સુપર ફોર મેચમાં ટીમને મજબૂત પડકાર આપ્યો હતો. પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવરમાં જીત મળી હતી. પાકિસ્તાને ભારત સામેની ત્રણ સિવાય તેની બધી મેચ જીતી હતી, પરંતુ આ ટુર્નામેન્ટ અભિષેક શર્મા ખાસ છવાયેલો રહ્યો હતો. અભિષેક શર્માને મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી અભિષેકને Haval H9 એસ એસયુવી કાર મળી છે. આ કારની અંદાજિત કિંમત પણ 33.60 લાખ રુપિયાની આસપાસની છે.
Haval H9 એસ એસયુવી કારની વર્તમાન કિંમત 1,42,199.8 સઉદી રિયાલ એટલે ભારતમાં તેની કુલ કિંમત 33,60,658 રુપિયા છે, જેમાં 2.0એલ ટર્બો પેટ્રોલ એન્જિન, 8 સ્પીડ ઓટોમેટિક ઝેડએફ ટ્રાન્સમિશન અને ઓફ રોડ ક્ષમતા માટે 4ડબલ્યુડી જેવા ફિચર્સ પણ છે, જેમાં 14.6 ઇંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને પેનોરમિક સનરુફ વગેરે લક્ઝરી ફિચર્સનો પણ સમાવેશ થાય છે, જ્યારે આ કારની લંબાઈ 4,950 mm છે, જ્યારે પહોળાઈ 14.6 mm છે. Haval H9માં સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાની બોલરો સાથે બોલચાલ મામલે અભિષેક શર્માએ મેચ બાદ આપ્યો સડ્સડતો જવાબ
ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સુપર ફોર તબક્કામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. ટુર્નામેન્ટ પહેલા અફઘાનિસ્તાન પાસે સારી અપેક્ષાઓ રાખવામાં આવી હતી, પરંતુ ટીમ સુપર ફોર તબક્કામાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. મીડિયાના એક રિપોર્ટમાં આ રોમાંચક ટુર્નામેન્ટના અંતે આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું.
ત્રણ વખત ફિફ્ટી મારીને રેકોર્ડ બનાવ્યો
આ ભારતનું નવમું એશિયા કપ ટાઇટલ (વન-ડે અને ટી-20 ફોર્મેટ સહિત) છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાન સામે ભારતનો આ સતત નવમો વિજય પણ છે. અભિષેક શર્માએ સાત મેચમાં 314 રન કરીને ટી-20 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી. તેણે 200ના સ્ટ્રાઇક રેટથી રન કરીને ભારતને મોટા ભાગની મેચોમાં વિસ્ફોટક શરૂઆત અપાવી હતી.
સૂર્યકુમાર યાદવ સંઘર્ષ કરતો જોવા મળ્યો
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. સાત મેચમાં ફક્ત 72 રન કર્યા હતા. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 47 હતો. શુભમન ગિલમાં પણ સાતત્યનો અભાવ હતો. તેણે સાત મેચમાં 127 રન કર્યા હતા જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 47 હતો.
આ પણ વાંચો: અભિષેક શર્મા રોહિત શર્માનું સ્થાન લેશે? BCCIના સિલેક્ટર્સ આ મુદ્દે વિચાર કરી રહ્યા છે
તિલક વર્મા ફાઈનલમાં મેચ વિનર સાબિત થયો
તિલક વર્મા ટુર્નામેન્ટના સૌથી મોટા સ્ટાર્સમાંના એક તરીકે ઉભરી આવ્યો હતો. તેણે સાત મેચમાં 213 રન કર્યા હતા જેમાં પાકિસ્તાન સામેની ફાઇનલમાં મેચ-વિનિંગ અણનમ 69 રનનો પણ સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટનો તેનો સર્વોચ્ચ સ્કોર પણ હતો.
હાર્દિક પંડ્યા માટે ટુર્નામેન્ટ સામાન્ય રહી
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે આ ટુનામેન્ટ સામાન્ય રહી હતી. ઈજાને કારણે તે ફાઇનલમાં રમી શક્યો નહીં. તેણે છ મેચમાં 8.57ના ઇકોનોમી રેટ સાથે 48 રન કર્યા હતા અને ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના પથુમ નિસાન્કાએ ટુર્નામેન્ટની એકમાત્ર સદી ફટકારી હતી. તેણે ભારત સામે સુપર ફોર મેચમાં 107 રન કર્યા હતા.
કુલદીપ યાદવે 17 વિકેટ ઝડપીને સફળ બોલર સાબિત
ભારતના કુલદીપ યાદવે સાત મેચમાં 17 વિકેટ ઝડપી હતી. આ આંકડો ટુર્નામેન્ટના બીજા સૌથી સફળ બોલર શાહીન શાહ આફ્રિદી (સાત મેચમાં 10 વિકેટ) કરતા સાત વિકેટ વધુ છે. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન સાત રનમાં ચાર વિકેટ હતું, જેમાં તેણે માત્ર 6.27 ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પાંચ મેચમાં 135 રન આપીને સાત વિકેટ લીધી હતી.