અભિષેક શર્માએ નંબર-વન પર રહીને જ નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો, જાણો તેનો કરિશ્મા…

દુબઈઃ છેલ્લા બે વર્ષમાં આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી અનેક ધમાકેદાર ઇનિંગ્સ રમીને ક્રિકેટ જગત પર છવાઈ જનાર લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા (ABHISHEK SHARMA)એ એશિયા કપમાં હાઇએસ્ટ 314 રન કરીને ભારતને ચૅમ્પિયન બનાવવામાં મોટું યોગદાન આપ્યું ત્યાર બાદ હવે આ યુવાન બૅટ્સમૅને આઇસીસી રૅન્કિંગ (RANKINGS)માં બહુ મોટી સિદ્ધિ મેળવી છે.
પંજાબ રાજ્યનો અભિષેક શર્મા ઘણા દિવસથી ટી-20 બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વન છે જ, તેણે આ અવ્વલ ક્રમે રહીને પણ અભૂતપૂર્વ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે બૅટ્સમેનોના રેટિંગ પૉઇન્ટમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેના નામે સૌથી વધુ 931 રેટિંગ પૉઇન્ટ થઈ ગયા બાદ 926 પૉઇન્ટ છે. એ સાથે તેણે ઇંગ્લૅન્ડના ડેવિડ મલાનનો 919 પૉઇન્ટનો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો છે.
મલાન 2020માં (પાંચ વર્ષ પહેલાં) 919 પૉઇન્ટ પર પહોંચ્યો ત્યાર બાદ ટી-20 ફૉર્મેટમાં વિશ્વનો કોઈ પણ પ્લેયર બુધવાર, 1 ઑક્ટોબર પહેલાં મલાનનો રેકૉર્ડ નહોતો તોડી શક્યો, પરંતુ હજી ગયા જ વર્ષે ટી-20માં ડેબ્યૂ કરનાર અભિષેકે એ કામ કરી દેખાડ્યું છે.
તિલક વર્મા ત્રીજા સ્થાને
અભિષેકે એશિયા કપમાં 44.85ની સરેરાશે અને 200.00 જેટલા સ્ટ્રાઇક-રેટ સાથે 314 રન બનાવ્યા હતા. તે આઇસીસી રૅન્કિંગમાં બીજા નંબરના ફિલ સૉલ્ટથી 82 પૉઇન્ટ આગળ છે. ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટના નામે 844 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે એશિયા કપની ફાઇનલનો સુપરસ્ટાર તિલક વર્મા (819) ત્રીજા નંબરે છે. ઇંગ્લૅન્ડનો જૉસ બટલર 785 પૉઇન્ટ સાથે ચોથા સ્થાને અને શ્રીલંકાનો પથુમ નિસન્કા 779 પૉઇન્ટ સાથે પાંચમા નંબરે છે.
હાર્દિક ફરી નંબર-વન થઈ શકે
દરમ્યાન ટી-20ના ઑલરાઉન્ડર્સમાં હાર્દિક પંડયા હવે નંબર-વન નથી. તેનું સ્થાન એશિયા કપમાં બૅટિંગમાં સદંતર ફ્લૉપ ગયેલા પાકિસ્તાનના સ્પિનર સઇમ અયુબે લીધું છે. જોકે હાર્દિક (233 પૉઇન્ટ) સઇમ (241)થી બહુ દૂર નથી, ફક્ત આઠ પૉઇન્ટ દૂર છે એટલે હાર્દિક નજીકના ભવિષ્યમાં સારું પર્ફોર્મ કરીને નંબર-વનની રૅન્ક તેની પાસેથી આંચકી શકશે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી (231) ત્રીજા નંબરે છે.
વરુણ હજીયે નંબર-વન
ટી-20 બોલર્સમાં ભારતનો સ્પિનર વરુણ ચક્રવર્તી (803 પૉઇન્ટ) હજીયે નંબર-વન છે, જેકબ ડફી (717 પૉઇન્ટ) બીજા સ્થાને અને ઍડમ ઝૅમ્પા (700 પૉઇન્ટ) ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો…ઇલેક્ટ્રિશ્યનનો દીકરો બન્યો દેશનો હીરોઃ તિલક વર્મા ઘણા સંઘર્ષોમાંથી પસાર થઈ ચૂક્યો છે