T20 World Cup: યુગાન્ડા 58 રનમાં ઑલઆઉટ: અફઘાનિસ્તાનનો 125 રનથી વિજય
ઓપનર્સ ગુરબાઝ-ઝડ્રાન વચ્ચે 154 રનની રેકોર્ડ-બ્રેક ઓપનિંગ ભાગીદારી

પ્રોવિડન્સ (ગયાના): યુગાન્ડાનો ટી-20 વર્લ્ડ કપમાં પહેલો દિવસ અત્યંત ખરાબ રહ્યો. અફઘાનિસ્તાન (20 ઓવરમાં 183/5) સામેની વન-સાઇડેડ મેચમાં યુગાન્ડા (16 ઓવરમાં 58/10)ની ટીમ 184 રનના લક્ષ્યાંક સામે અડધા રન પણ ન બનાવી શકી હતી અને અફઘાનિસ્તાને 125 રનથી જ્વલંત વિજય મેળવ્યો હતો.
મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં કોઈ ટીમે 100 પ્લસના માર્જિનથી વિજય મેળવ્યો હોય એવું છઠ્ઠી વખત બન્યું છે.
અફઘાનિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ ફક્ત નવ રનમાં પાંચ વિકેટ લીધી હતી.
યુગાન્ડાની ટીમમાં અલ્પેશ રામજિયાણી સહિત ચાર બેટર ઝીરોમાં આઉટ થઈ ગયા હતા. માત્ર બે બૅટર ડબલ ડીજિટમાં રન બનાવી શક્યા હતા. દિનેશ નાકરાણી છ રન બનાવી શક્યો હતો.
અફઘાનિસ્તાનના બાકીના બોલર્સમાંથી કેપ્ટન રાશીદ ખાન અને નવીન ઉલ હકે બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, અફઘાનિસ્તાને પાંચ વિકેટે 183 રન બનાવ્યા હતા. રહનુમુલ્લા ગુરબાઝ (76 રન, 45 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને ઇબ્રાહીમ ઝડ્રાન (70 રન, 46 બૉલ, એક સિક્સર, નવ ફોર) વચ્ચે 154 રનની રેકોર્ડ બ્રેક ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. યુગાન્ડાની ટીમને આ ભાગીદારી જ ભારે પડી ગઈ હતી. કચ્છી ઓલરાઉન્ડર અલ્પેશ રામજિયાણીને 33 રનમાં એક જ વિકેટ મળી હતી. સ્પિનર બ્રાયન મસાબા અને પેસ બોલર કોસમાસ કયેવુટાએ બે-બે વિકેટ લીધી હતી.
પાંચ વિકેટના તરખાટ બદલ ફારુકીને મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
Also Read –