
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની પહેલી જ મૅચમાં નામોશી થઈ. અહીં સાઉથ આફ્રિકા સામેની મૅચમાં વનિન્દુ હસરંગાના સુકાનમાં શ્રીલંકન ટીમ માત્ર 77 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ટી-20 વિશ્ર્વ કપમાં શ્રીલંકાનો આ નવો નીચો સ્કોર છે. આ પહેલાં, 87 રન શ્રીલંકાનો લોએસ્ટ સ્કોર હતો.
77 રન ટી-20 ઇન્ટરનૅશનલમાં શ્રીલંકાનો સૌથી નીચો સ્કોર છે.
વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સનો 39 રન તમામ દેશોમાં લોએસ્ટ સ્કોર છે. ક્રિકેટના મોટા દેશોમાં વેસ્ટ ઇન્ડિઝના પંચાવન રન સૌથી નીચો સ્કોર છે.
શ્રીલંકાની બૅટિંગ લાઇન-અપમાં એકેય બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો. વિકેટકીપર કુસાલ મેન્ડિસના 19 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
ખુદ હસરંગા સહિત ચાર બૅટર ઝીરોમાં આઉટ થયા હતા.
આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમેલા ઍન્રિચ નોર્કિયાએ સૌથી વધુ સાત રનમાં ચાર વિકેટ લીધી હતી. કેશવ મહારાજે અને કૅગિસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી.
એક તબક્કે શ્રીલંકાએ 45 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.