T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup : નોર્કિયાની સાત રનમાં ચાર વિકેટ છતાં સાઉથ આફ્રિકા સંઘર્ષ કરીને જીત્યું

ટી-20 મૅચમાં હાઈએસ્ટ 127 ડૉટ-બૉલનો વિક્રમ

ન્યૂયોર્ક: શ્રીલંકા(20 ઓવરમાં 77/10)ને સોમવારે સાઉથ આફ્રિકા(16.2 ઓવરમાં 80/4)એ ટી-20 વર્લ્ડ કપની લો-સ્કોરિંગ મેચમાં છ વિકેટથી હરાવ્યું હતું. એનરિચ નોર્કિયાએ માત્ર સાત રનમાં ચાર વિકેટ લીધી હતી જેને કારણે શ્રીલંકા 77 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જોકે પછીથી સાઉથ આફ્રિકાએ ન્યૂ યોર્કની અજાણી પિચ પર લક્ષ્યાંક મેળવતાં પહેલાં ચાર વિકેટ ગુમાવવી પડી હતી અને છેલ્લે ફક્ત 22 બોલ બાકી રહ્યા હતા.

આખી મૅચમાં તમામ બેટર્સે કુલ 214 બૉલનો સામનો કર્યો હતો જેમાંથી 127 ડૉટ-બૉલ હતા. ટી-20 વર્લ્ડ કપ મેચનો આ નવો વિશ્વવિક્રમ છે.

સાઉથ આફ્રિકા વતી જેમના નાના અને સાધારણ યોગદાન હતા એમાં ડિકોક (20 રન), માર્કરમ (12), સ્ટબ્સ (13) અને ક્લાસેન (19 અણનમ)નો સમાવેશ હતો. એક તબક્કે માર્કરમની ટીમે 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આઇપીએલમાંથી રનર-અપ (હૈદરાબાદ)ની ટ્રોફી જીતીને વર્લ્ડ કપમાં રમવા આવેલા ક્લાસેને વધુ ધબડકો થતો રોક્યો હતો. તેની સાથે ડેવિડ મિલર (6) અણનમ રહ્યો હતો.

શ્રીલંકાના કેપ્ટન વનિન્દુ હસરંગાએ બે વિકેટ તેમ જ થુશારા અને શનાકાએ એક-એક વિકેટ લીધી હતી.
નોર્કિયા (4-0-7-4)ને મેન ઓફ ધ મેચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

એ પહેલાં, શ્રીલંકા બૅટિંગ પસંદ કર્યા બાદ એના ટી-20ના લોએસ્ટ સ્કોર 77 રનમાં આઉટ થઈ ગયું હતું. ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની પહેલી જ મૅચમાં નામોશી થઈ હતી. ટી-20 વિશ્ર્વ કપમાં શ્રીલંકાનો આ નવો નીચો સ્કોર હતો. આ પહેલાં, 87 રન શ્રીલંકાનો લોએસ્ટ સ્કોર હતો.

77 રન સમગ્ર ટી-20 ઇન્ટરનૅશનલમાં પણ શ્રીલંકાનો સૌથી નીચો સ્કોર છે.
વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સનો 39 રન તમામ દેશોમાં લોએસ્ટ સ્કોર છે. ક્રિકેટના મોટા દેશોમાં વેસ્ટ ઇન્ડિઝના પંચાવન રન સૌથી નીચો સ્કોર છે.

શ્રીલંકાનો એકેય બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો. વિકેટકીપર કુસાલ મેન્ડિસના 19 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
ખુદ હસરંગા સહિત ચાર બૅટર ઝીરોમાં આઉટ થયા હતા.

આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમેલા નોર્કિયાની સૌથી વધુ સાત રનમાં ચાર વિકેટ ઉપરાંત કેશવ મહારાજે અને કૅગિસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી.

એક તબક્કે શ્રીલંકાએ 45 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button