T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup:South Africa v/s Bangladesh:ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં કોઈ અમ્પાયરે આવો ખોટો નિર્ણય નહીં આપ્યો હોય….આવું કોણે કેમ કહ્યું?

ન્યૂ યૉર્ક: સોમવારે અહીં સાઉથ આફ્રિકા સામેની ટી-20 વર્લ્ડ કપની મૅચમાં બાંગલાદેશની ટીમ અમ્પાયરના ખોટા નિર્ણય અને કચાશભર્યા નિયમનો ભોગ બન્યું એવું બે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ વસીમ જાફર (Wasim Jaffar) અને અંબાતી રાયુડુ (Ambati Rayudu)નું માનવું છે. બન્નેએ ખાસ કરીને અમ્પાયરની ખૂબ ટીકા કરી છે. એમાં પણ રાયુડુએ અમ્પાયરના અભિગમ વિશે ગુસ્સો વ્યક્ત કરીને ત્યાં સુધી કહ્યું છે કે ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં કોઈ અમ્પાયરે આવો ખોટો નિર્ણય નહીં આપ્યો હોય.

સોમવારે ન્યૂ યૉર્કમાં સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે ફક્ત 113 રન બનાવી શકી હતી જેમાં હિન્રિચ ક્લાસેન (46 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)નું સૌથી મોટુંં યોગદાન હતું. તેન્ઝિમ સાકિબે સૌથી વધુ ત્રણ અને તાસ્કિન અહમદે બે વિકેટ લીધી હતી. બાંગલાદેશની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 109 રન બનાવી શકતા ચાર રનથી હારી ગઈ હતી.

બંગલાદેશની ટીમ ક્યારેય સાઉથ આફ્રિકાને ટી-20માં નથી હરાવી શકી.
બાંગલાદેશે છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા. કૅપ્ટન માર્કરમે સ્પિનર કેશવ મહારાજને એ ઓવરની જવાબદારી સોંપી હતી. પહેલા બે બૉલમાં વાઇડ સહિત ત્રણ રન બન્યા બાદ ત્રણ બૉલમાં એક રન બન્યો અને બે વિકેટ પડી હતી. અંતિમ બૉલમાં તાસ્કિને જીતવા સિક્સર ફટકારવાની હતી, પરંતુ એક જ રન બન્યો અને બાંગલાદેશનો ચાર રનથી પરાજય થયો હતો. બાંગલાદેશની ટીમમાં તૌહિદ રિદોયના 37 રન હાઇએસ્ટ હતા.

બન્યું એવું કે માર્કરમે 17મી ઓવર ઑટનિલ બાર્ટમૅનને આપી હતી. બાંગલાદેશનો સ્કોર 114 રનના લક્ષ્યાંક સામે ચાર વિકેટે 88 રન હતો. બાર્ટમૅનનો બીજો ફુલ લેન્ગ્થ બૉલ જે સ્વિંગ થઈને અંદર તરફ આવી રહ્યો હતો એમાં બૅટર મહમુદુલ્લા (Mahmudullah) સામે એલબીડબ્લ્યૂની અપીલ થઈ હતી. બૉલ મહમુદુલ્લાના પૅડને વાગ્યા બાદ ફાઇન લેગ બાઉન્ડરી લાઇનની બહાર ગયો હતો. આ બાજુ, મહમુદુલ્લાને ઑસ્ટ્રેલિયન અમ્પાયર સૅમ નૉગેસ્કીએ આઉટ જાહેર કર્યો હોવાથી નિયમ મુજબ બૉલ ડેડ થઈ ગયો કહેવાય એટલે બાઉન્ડરી લાઇનની બહાર બૉલ ગયો હોવા છતાં એ ચાર રન ગણાયા નહોતા.

ખરો ખેલ તો હવે શરૂ થયો હતો. મહમુદુલ્લાએ તરત જ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)માં થર્ડ અમ્પાયરની મદદ માગી હતી. રિપ્લે પરથી સ્પષ્ટ થયું કે બૉલ જો મહમુદુલ્લાના પૅડને ન વાગ્યો હોત તો સ્ટમ્પ્સથી ખૂબ દૂરથી પાછળની દિશામાં ગયો હોત. અમ્પાયર સૅમ નૉગેસ્કીને થર્ડ અમ્પાયરે નિર્ણય બદલી નાખવા કહ્યું હતું. જોકે બૉલ ડેડ જાહેર થયો હોવાથી બાંગલાદેશને એક્સ્ટ્રાના ચાર રન તો નહોતા જ મળ્યા.
આઇસીસીનો નિયમ કહે છે કે ‘અમ્પાયર અપીલ બાદ આંગળી ઊંચી કરે એ સાથે જ બૉલ ડેડ થઈ ગયો ગણાય. ડીઆરએસમાં નિર્ણય બદલવામાં આવે તો પણ બૉલ ડેડ જ ગણાય. એ જોતાં બાંગલાદેશને પેલા ચાર એક્સ્ટ્રા રન ન જ અપાયા.

બાંગલાદેશનું બદનસીબ એ છે કે છેલ્લે સાઉથ આફ્રિકા સામે એનો ચાર રનથી જ પરાજય થયો.
વિવાદના વમળમાં સપડાયેલા અમ્પાયર સૅમ નૉગેસ્કી ઑસ્ટ્રેલિયાના છે. તેઓ મેન્સ ક્રિકેટની 42 ઇન્ટરનૅશનલ મૅચમાં અને વિમેન્સ ક્રિકેટની 24 મૅચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. કુલ 12 મૅચમાં તેઓ ટીવી અમ્પાયર (થર્ડ અમ્પાયર) બની ચૂક્યા છે.
બાંગલાદેશની અન્ડર-19 ટીમને કોચિંગ આપી ચૂકેલા વસીમ જાફરે એક મુલાકાતમાં કહ્યું, ‘પહેલી વાત એ છે કે મહમુદુલ્લાને ખોટો આઉટ અપાયો હતો. બીજું, ડેડ બૉલને લગતા નિયમમાં ફેરફાર થવો જોઈએ.’

અંબાતી રાયુડુએ એક ચૅનલને કહ્યું, ‘ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ અમ્પાયરે આવો ખોટો નિર્ણય નહીં આપ્યો હોય. આ બહુ ખરાબ નિર્ણય હતો. લેગ સ્ટમ્પ થોડું દેખાતું હોય એનો અર્થ એ નથી કે બૅટરને આઉટ જ આપી દેવો. બૉલ જ્યાંથી ફેંકાયો હોય એ દિશામાંના કૅમેરાના ઍન્ગલથી પણ જોવું જરૂરી હતું.’
બાંગલાદેશ વતી 34 બૉલમાં બે સિક્સર, બે ફોરની મદદથી 37 રન બનાવનાર તૌહિદ રિદોયે પણ મૅચ પછી કહ્યું કે જો અમને એ વધારાના ચાર રન અપાયા હોત તો મૅચનું પરિણામ જૂદું જ હોત. ઑન-ફીલ્ડ અમ્પાયરે મહમુદુલ્લાને આઉટ જાહેર કર્યો એ જ બહુ ખોટું થયું હતું.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો