સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થતાં જ સૂર્યાએ કરી ભવિષ્યવાણી, કહ્યું કે આ બે દેશ વચ્ચે રમાશે ફાઇનલ

મુંબઈઃ આગામી સાતમી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપનું મંગળવારે સાંજે મુંબઈમાં શેડયૂલ જાહેર થતાં જ આઠમી માર્ચની ફાઇનલ કોની વચ્ચે રમાશે એની ભવિષ્યવાણી (Forecast) ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કરી દીધી હોવાનું સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું છે. તેના મતે અમદાવાદ (Ahmedabad)માં આઠમી ફેબ્રુઆરીની ફાઇનલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જો સૂર્યા (surya)ની આગાહી સાચી પડશે તો ભારતને 2023ના વન-ડે વર્લ્ડ કપની અમદાવાદની ફાઇનલમાં થયેલી હારનો ઑસ્ટ્રેલિયા સામે બદલો લેવા મળશે.

ઉલ્લેખનીય છે કે મહિલા વર્લ્ડ ચૅમ્પિયન ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે સૂર્યકુમારની ભવિષ્યવાણીને સમર્થન આપ્યું છે. યાદ અપાવવાની કે ગયા વર્ષના વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં સૂર્યાએ હાર્દિક પંડ્યાની અંતિમ ઓવરમાં ડેવિડ મિલરનો બાઉન્ડરી લાઇનને આરપાર જઈને જે કૅચ ઝીલ્યો હતો એને લીધે જ ભારતને ટાઇટલ જીતવા મળ્યું હતું.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને આ ટૂર્નામેન્ટના બૅ્રન્ડ ઍમ્બેસેડર રોહિત શર્માને મંગળવારે મુંબઈના સમારોહમાં પૂછવામાં આવતાં તેણે કહ્યું, ` ફાઇનલમાં ભારત સાથે કઈ ટીમની ટક્કર થશે એનાથી કોઈ ફરક પડે, હું એટલું ઇચ્છું છું કે ભારતીય ટીમ આ ટાઇટલ ફરી જીતે.’

વર્લ્ડ કપમાં ભારતનો લીગ રાઉન્ડમાં પહેલો મુકાબલો સાતમી ફેબ્રુઆરીએ અમેરિકા સામે મુંબઈમાં, બીજો મુકાબલો 12મી ફેબ્રુઆરીએ નામિબિયા સામે દિલ્હી, ત્રીજો મુકાબલો 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે કોલંબોમાં અને ચોથો મુકાબલો 18મી ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સામે અમદાવાદમાં થશે.

આપણ વાંચો:  વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મુકાબલો 15મી ફેબ્રુઆરીએ, રોહિત શર્મા વિશ્વ કપનો બ્રેન્ડ ઍમ્બેસેડર

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button