Rishabh Pant’s Reverse Scoop :યાદ રાખજો, રિષભ પંતનો આ શૉટ અમેરિકનોને ક્રિકેટ-ક્રેઝી બનાવી દેશે: વસીમ જાફર
ન્યૂ યૉર્ક: અહીં બુધવારે ટી-20 વર્લ્ડ કપમાં આયરલૅન્ડ સામેની મૅચમાં ભારતને ખાસ કરીને હાર્દિક પંડ્યા (27 રનમાં ત્રણ વિકેટ), જસપ્રીત બુમરાહ (છ રનમાં બે વિકેટ) અને અર્શદીપ સિંહ (35 રનમાં 2 વિેકેટ)ના બોલિંગના તરખાટે અને રોહિત શર્મા (37 રનમાં બાવન રને રિટાયર્ડ હર્ટ)ની ફટકાબાજીએ જિતાડ્યા અને એમાં રિષભ પંત (26 બૉલમાં 36 રન)નું નામ પણ અચૂક લેવું જોઈએ. બે કૅચ અને એક રનઆઉટ બાદ બૅટિંગમાં તો પંતનો ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ હતો જ, હમણાં તો તેના એક શૉટની બોલબાલા છે.
વિકેટકીપર-બૅટર રિષભ પંતે (Rishabh Pant) આયરલૅન્ડના પેસ બોલર બૅરી મૅકાર્થીના એક ગુડ લેન્ગ્થ બૉલને ચતુરાઈપૂર્વક રિવર્સ સ્કૂપમાં વિકેટકીપર લૉર્કેન ટકરના માથા પરથી બાઉન્ડરી લાઇનને પાર મોકલી દીધો હતો. પંતે આ પ્રકારનો શૉટ પહેલી વાર નથી ફટકાર્યો, પણ અમેરિકામાં આ શૉટથી પંત જરૂર ફેમસ થઈ ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે ટ્વિટર પર લખ્યું છે કે ‘યાદ રાખજો, પંતનો આ શૉટ અમેરિકનોને ક્રિકેટ માટે ગાંડા કરી મૂકશે.’
જાફરે બીજી રીતે કહ્યું હતું કે ‘પંતના આ શૉટથી અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ નહીં વધે તો મને લાગે છે કે ક્યારેય નહીં વધે. સામાન્ય રીતે આવા પ્રકારના શૉટ જ આ નાના અને નવા દેશોમાં ક્રિકેટનું ઘેલું લગાડતા હોય છે.’
પંતે પહેલી વાર રિવર્સ-સ્કૂપ અમદાવાદની ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના લેજન્ડરી પેસ બોલર જેમ્સ ઍન્ડરસનના બૉલમાં અને ત્યાર બાદ જોફરા આર્ચરના બૉલમાં ફટકાર્યો હતો.
ફાસ્ટ બોલરના બૉલમાં પંત રિવર્સ-સ્કૂપ શૉટને પરફેક્ટલી એક્ઝિક્યૂટ કરી શકે છે એ પાછળ કેટલાક કારણો છે. પહેલી વાત તો એ છે કે તેની બૉડી લેન્ગ્વેજ પરથી સ્પષ્ટ લાગે છે કે તેણે આવા બોલરના એકાદ બૉલમાં રિવર્સ સ્કૂપ ફટકારવાની મનમાં ગાંઠ વાળી લીધી હોય છે. બીજું, બોલર બૉલ રિલીઝ કરે એ પછી બૉલમાં ખાસ કંઈ મૂવમેન્ટ નથી હોતી અને ત્રીજું, પંતનું ફૂટવર્ક એવું જડબેસલાક હોય છે જેમાં તે બન્ને હાથેથી બૉલને ધાર્યા પ્રમાણે રિવર્સ સ્કૂપનો અંજામ આપી શકે છે.
Also Read –