T20 World Cup : નેપાળે ત્રણ કૅચ છોડ્યા એટલે દાયકા પછીનો પ્રથમ વિજય ગુમાવ્યો
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બોલર ક્રિસ પ્રિંગલના પુત્ર ટિમ પ્રિંગલે નેધરલેન્ડ્સને જિતાડ્યું
ડલાસ (અમેરિકા): ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે નેપાળ(19.2 ઓવરમાં 106/10) સામે નેધરલેન્ડ્સ (18.4 ઓવરમાં 109/4)નો છ વિકેટે વિજય થયો હતો. નેપાળના ફિલ્ડરોએ જો ત્રણ કેચ ન છોડ્યા હોત તો પરિણામ જુદું જ આવ્યું હોત, કારણ કે નેધરલેન્ડ્સની ટીમ ત્રણ જીવતદાન મેળવ્યા પછી ખૂબ સંઘર્ષ કરીને માત્ર 107 રનનો લક્ષ્યાંક છેક 19મી ઓવરમાં મેળવી શકી હતી.
નેપાળની ટીમ 2014ના વર્લ્ડ કપમાં પણ રમી હતી અને ત્યારે એણે અફઘાનિસ્તાન તથા હોંગકોંગને હરાવ્યું હતું. દસ વર્ષે ફરી એકવાર વિશ્વ કપમાં વિજય મેળવવાની નેપાળને તક હતી જે એણે ગુમાવી દીધી.
Read This…T20 World Cup: પહેલી જ મૅચમાં રેકૉર્ડની વર્ષા, અમેરિકી બૅટરે રચ્યો ઇતિહાસ
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ પેસ બોલર ક્રિસ પ્રિંગલના 21 વર્ષીય પુત્ર ટિમ પ્રિંગલે (Tim Pringle) નેધરલેન્ડ્સ વતી 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને છેલ્લે તેણે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો હતો. નેપાળના ટૉપ-ઓર્ડરના ચારમાંથી ત્રણ બૅટરની વિકેટ પ્રિંગલે લીધી હતી.
નેપાળના કેપ્ટન રોહિત પૉડેલ, આસિફ શેખ અને સોમપાલ કામીએ એક-એક કેચ છોડ્યો હતો. ફીલ્ડિંગની આ કચાશ છેવટે નેપાળને ભારે પડી ગઈ હતી. નેધરલેન્ડસના 109 રનમાં મેક્સ ઑડોઉડ (54 અણનમ, 48 બૉલ, એક સિક્સર, ચાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ભારતીય મૂળના બેટર વિક્રમજિત સિંહે 22 રન બનાવ્યા હતા. અબિનાશ, દીપેેન્દ્ર અને સોમપાલે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, નેપાળની ટીમ બેટિંગ મળ્યા પછી ખરાબ શરૂઆત કર્યા બાદ ફક્ત 106 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં કેપ્ટન રોહિત પૉડેલ (37 બૉલમાં 35 રન)નો સૌથી મોટો ફાળો હતો. નેધરલેન્ડ્સના પ્રિંગલ ઉપરાંત પેસ બોલર લૉગન વૅન બીકે પણ ત્રણ વિકેટ લીધી હતી.
નેધરલેન્ડ્સને આ વિજય બદલ બે પોઇન્ટ મળ્યા હતા.