T20 World Cup: ઇંગ્લૅન્ડના નસીબમાં યુરોપિયન ટીમને હરાવવાનું જાણે લખાયું જ નથી!
બ્રિજટાઉન: જૉસ બટલરની કેપ્ટન્સીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર યુરોપના જ દેશને હરાવવાના મનસૂબા સાથે મેદાન પર ઊતરી હશે, પરંતુ બ્રિટિશ ટીમનું એ સપનું ફરી વાર અધૂરું રહી ગયું.
ટી-20 વિશ્વ કપમાં અગાઉ ઇંગ્લેન્ડ ક્યારેય યુરોપની ટીમ સામે જીતી નહોતી. સ્કોટલેન્ડ સામે મંગળવારની મૅચ વરસાદને કારણે છેવટે અનિર્ણીત રહી હતી.
સ્કોટલેન્ડે ટૉસ જીતીને બેટિંગ લીધી હતી અને વરસાદને કારણે મૅચ મોડી શરૂ થયા બાદ સ્કોટલેન્ડે 10 ઓવરમાં વિના વિકેટે 90 રન બનાવ્યા હતા એ તબક્કે વરસાદ શરૂ ફરી પડ્યો હતો અને કલાકો સુધી રાહ જોયા પછી અમ્પાયરોએ મૅચને અનિર્ણીત જાહેર કરી હતી. સ્કોટલેન્ડના 90 રન ઓપનર્સ જ્યોર્જ મુન્સી (41 અણનમ, 31 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને માઈકલ જોન્સ (45 અણનમ, 30 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચેની ભાગીદારીમાં બન્યા હતા.
બટલરની ટીમના પાંચ બોલર (માર્ક વૂડ, જોફરા આર્ચર, મોઈન અલી, ક્રિસ જોર્ડન, આદિલ રાશીદ)ને વિકેટ નહોતી મળી શકી. ઇંગ્લેન્ડ 2010માં અને 2022ના પાછલા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. યુરોપનું ઇંગ્લેન્ડ ભૂતપૂર્વ વિજેતા હોવા છતાં યુરોપના જ કોઈ દેશને આ ટુર્નામેન્ટમાં ક્યારેય હરાવી નથી શક્યું.
2009માં ઇંગ્લેન્ડનો નેધરલેન્ડ્સ સામે ચાર વિકેટે પરાજય થયો હતો, 2010માં ઇંગ્લેન્ડની આયરલૅન્ડ સામેની મેચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી, 2014માં નેધરલેન્ડ્સ સામે ઇંગ્લેન્ડ 45 રનથી હારી ગયું હતું અને 2022માં આયરલૅન્ડ સામે ઇંગ્લેન્ડનો પાંચ રનથી પરાજય થયો હતો. મંગળવારે સ્કોટલેન્ડ સામેની મૅચ ધોવાઈ જતા ઇંગ્લેન્ડે ફરી એકવાર નિરાશ થવું પડ્યું હતું.
બંને ટીમને એક-એક પોઇન્ટ આપી દેવામાં આવ્યો હતો.