T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: પાકિસ્તાનને પછડાટ અપાવનાર અમેરિકાના સૌરભ નેત્રાવલકર વિશે આ જાણો છો?

ડલાસ/મુંબઈ: 32 વર્ષની ઉંમરના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરે ગુરુવારે રાત્રે ટી-20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં કમાલનું પર્ફોર્મ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરીઅર બનાવવા મુંબઈથી અમેરિકા ગયેલા નેત્રાવલકરે ગુરુવારે પાકિસ્તાન સામેની મુખ્ય મેચમાં ફક્ત 18 રનમાં મોહમ્મદ રિઝવાન (9 રન) અને ઇફતિખાર (18 રન)ની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી તેમ જ શાદાબ ખાન (40 રન)નો કૅચ પણ પકડ્યો હતો. ટાઈ પછીની સુપર ઓવરમાં નેત્રાવલકરે પાકિસ્તાનને જીતવા જરૂરી 19 રન નહોતા કરવા દીધા. તેની એ ઓવરમાં પાકિસ્તાન ફક્ત 13 રન બનાવી શક્યું હતું અને એક વિકેટ પણ ગુમાવી હતી.
છેવટે અમેરિકાનો પાંચ રનથી વિજય થયો હતો.

તો આવો, આપણે 32 વર્ષના મુંબઈકર સૌરભ નેત્રાવલકર વિશે થોડું અનોખું અને રસપ્રદ જાણીએ…

(1) 2010ની સાલમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો કવોર્ટર ફાઇનલમાં પાકિસ્તાન સામે છેલ્લી ઓવરમાં જે પરાજય થયો હતો એને લેફટ-આર્મ ફાસ્ટ બોલર સૌરભ નરેશ નેત્રાવલકર નહીં જ ભૂલ્યો હોય. ત્યારે પાકિસ્તાનની અન્ડર-19 ટીમનો કેપ્ટન બાબર આઝમ હતો અને પરાજિત ભારતીય અન્ડર-19 ટીમે નિરાશ થઈને ન્યૂઝીલેન્ડથી પાછા આવવું પડ્યું હતું. ત્યારે નેત્રાવલકર ભારતને પાકિસ્તાન સામે જીતાડી નહોતો શક્યો, પરંતુ ગુરુવારે 32 વર્ષના નેત્રાવલકરે સુપર ઓવરમાં 18 રન ડિફેન્ડ કરીને બાબર આઝમની ટીમને ધૂળ ચાટતી કરી દીધી હતી.

(2) નેત્રાવલકર થોડા વર્ષ પહેલાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવવા મુંબઈથી અમેરિકા જઈને ત્યાં સ્થાયી થયો હતો.

(3) નેત્રાવલકરે ભારત વતી રમવાનું સપનું સેવ્યું હતું, પરંતુ એમાં તેને સફળતા ન મળતા તેણે અમેરિકા વતી રમવાનું શરૂ કર્યું હતું

(4) નેત્રાવલકર 2013માં ભારતમાં એકમાત્ર ડોમેસ્ટિક મેચ રમ્યો હતો. એ મેચમાં તે કર્ણાટક વતી મુંબઈ સામે રમ્યો હતો. એક સમયે તે મુંબઈ વતી પણ થોડી ડોમેસ્ટિક મેચ રમ્યો હતો.

(5) અમેરિકા વતી તેણે 2019ની સાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. યુએસએ વતી તેણે 77 મેચમાં કુલ 102 વિકેટ લીધી છે.

(6) નેત્રાવલકર અમેરિકા વતી વેસ્ટ ઈન્ડિઝ, આયરલૅન્ડ, બાંગ્લાદેશ તથા નાના દેશો સામે રમી ચૂક્યો છે, પરંતુ પાકિસ્તાન સામે પહેલી જ વખત રમ્યો અને એમાં ચમકી ગયો.

(7) કમ્પ્યુટર એન્જિનિયર નેત્રાલકર અમેરિકામાં જોબ કરે છે અને ઓફિસમાંથી રજા લઈને વર્લ્ડ કપમાં રમવા આવ્યો છે. અમેરિકાની હજી આયરલૅન્ડ અને ભારત સામેની મેચ બાકી હોવાથી તેણે ઓફિસમાંથી લીધેલી રજા લંબાવવી પડશે.

(8) 2009માં નેત્રાવલકરે બેંગલુરુની નેશનલ એકેડેમીની એક મેચમાં યુવરાજ સિંહના સ્ટમ્પ્સ ઉડાડી દીધા હતા. એ મેચના પર્ફોર્મન્સને પગલે નેત્રાવલકરને બીસીસીઆઈ કોર્પોરેટ ટ્રોફીમાં રમવાનો મોકો ગયો હતો.

(9) નેત્રાવલકરને ત્યારે (2009માં) બીસીસીઆઈની એ ટૂર્નામેન્ટમાં યુવરાજ, સુરેશ રૈના અને રોબિન ઉથપ્પાવાળી ટીમ વતી રમવા મળ્યું હતું. સામેની ટીમમાં ધોની, વિરાટ જેવા દિગ્ગજો હતા. નેત્રાવલકર ત્યારે માત્ર 18 વર્ષનો હતો. એ સ્પર્ધામાં નેત્રાવલકરે સૌથી વધુ વિકેટ લીધી હતી જેને કારણે તેને અન્ડર-19 વર્લ્ડ કપની ટીમમાં આવવા મળ્યું હતું. ત્યારના અન્ડર-19 વર્લ્ડ કપની ટીમમાં નેત્રાવલકર ઉપરાંત કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ અને મયંક અગરવાલ જેવા જાણીતા ખેલાડીઓ હતા.”

(10) જોકે અન્ડર-19 વર્લ્ડ કપ બાદ તેને ભારત વતી કે આઈપીએલમાં રમવા ન મળતા તે અમેરિકામાં સ્થાયી થયો હતો. કમ્પ્યુટર એન્જિનિયરિંગનું બહુ સારું નોલેજ હોવાથી તે ઑરેકલ સહિતની જાણીતી કંપનીઓમાં જોબ કરી ચૂક્યો છે.

(11) નેત્રાવલકર મુંબઈનો છે. આવતા અઠવાડિયે તે વર્લ્ડ કપમાં ભારત સામે રમશે જેમાં તેને મુંબઈના જ જૂના સાથી ખેલાડી રોહિત શર્માની વિકેટ લેવાનો મોકો મળશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો