T20 World Cup:ભારતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં કોની સામે રમવાનું છે એ નક્કી થઈ ગયું! હરીફો કોણ છે, જાણો છો?

બ્રિજટાઉન: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો ત્યાર બાદ હવે મોખરાની આઠ ટીમ વચ્ચેના સુપર-એઇટ રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. બુધવાર, 19મી જૂને આ રાઉન્ડ શરૂ થશે અને એમાં ભારતે ત્રણમાંથી પહેલી મૅચ અફઘાનિસ્તાન સામે, બીજી મૅચ સાઉથ આફ્રિકા અથવા બાંગલાદેશ અથવા નેધરલૅન્ડ્સ સામે અને ત્રીજી મૅચ ઑસ્ટ્રેલિયા સામે રમવી પડશે.
લીગ રાઉન્ડના ચારેય ગ્રૂપમાં પાંચમાંથી ટોચની બે ટીમ સુપર-એઇટમાં જઈ રહી છે. સુપર-એઇટમાં કુલ આઠ ટીમનો સમાવેશ હશે. એ આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપની ટીમ પોતાના ગ્રૂપની બાકીની ત્રણ ટીમ સામે એક-એક મૅચ રમશે. બેઉ ગ્રૂપમાંથી મોખરાની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં જશે.
આ પણ વાંચો : T20 World Cup: ‘સેહવાગ કોણ?’ એવું બોલીને શાકિબને વીરુદાદાનું મંતવ્ય ઠીક લાગ્યું
ગ્રૂપ-એમાંથી (આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં) માત્ર ભારત સુપર-એઇટ માટે ક્વૉલિફાય થયું હતું. ગ્રૂપ-બીમાં ઑસ્ટ્રેલિયા ક્વૉલિફાય થઈ ગયું અને બીજી નસીબદાર ટીમ બનવા માટે સ્કૉટલૅન્ડ તથા ઇંગ્લૅન્ડ વચ્ચે હરીફાઈ હતી. ગ્રૂપ-સીમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ ક્વૉલિફાય થઈ ચૂકયા છે. ગ્રૂપ-ડીમાંથી સાઉથ આફ્રિકા બાદ હવે બીજી લકી ટીમ બનવા માટે બાંગલાદેશ અને નેધરલૅન્ડ્સ વચ્ચે હરીફાઈ છે.
સુપર-એઇટમાં અફઘાનિસ્તાન સામેની પ્રથમ મૅચ ગુરુવાર, 20મી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) બ્રિજટાઉનમાં રમાશે. ભારતની બીજી મૅચ સાઉથ આફ્રિકા અથવા બાંગલાદેશ અથવા નેધરલૅન્ડ્સ સામે શનિવાર, બાવીસમી જૂને (રાત્રે 8.00 વાગ્યાથી) નૉર્થ સાઉન્ડમાં રમાશે. ભારતનો ત્રીજો મુકાબલો ઑસ્ટ્રેલિયા સામે સોમવાર, 24મી જૂને (રાત્રે 8.00 વાગ્યાથી) સેન્ટ લ્યૂસિયામાં રમાશે.