ધોની 2007 વર્લ્ડ કપની ફાઇનલના હીરો અને પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષો બાદ મળ્યો | મુંબઈ સમાચાર

ધોની 2007 વર્લ્ડ કપની ફાઇનલના હીરો અને પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષો બાદ મળ્યો

નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની 2007માં ટી-20 વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતને છેલ્લી ઓવરમાં વિજય અપાવનાર પેસ બોલર જોગિન્દર શર્માને મળ્યો અને તેની સાથે જૂની-નવી વાતોની આપ-લે કરી હતી. આ મુલાકાતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

જોગિન્દર ૪૦ વર્ષનો છે. તે પ્રથમ ટી-20 વર્લ્ડ કપના વર્ષ 2007માં જ હરિયાણા પોલીસમાં જોડાયો હતો. તેને હરિયાણાના કુરુક્ષેત્રમાં ડેપ્યૂટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ડીએસપી)ની પદવી આપવામાં આવી છે. તેણે ફેબ્રુઆરી, 2023માં ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો.

ધોનીને ટેરિટોરિયલ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી મળી છે.

જોગિન્દરે ઇન્સ્ટાગ્રામ પર ધોની સાથેની મુલાકાતના ફોટો પણ શૅર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે, “ધોનીને ઘણા વર્ષે ફરી મળીને મને ખૂબ આનંદ થયો. અમે 12 વર્ષે પાછા મળ્યા અને ઘણી વાતો કરી.”

2007ના વર્લ્ડ કપની જોહનિસબર્ગ ખાતેની ફાઇનલની અંતિમ ઓવરમાં પાકિસ્તાને જીતવા માટે 13 રન બનાવવાના હતા. ત્યારે પાકિસ્તાનનો સ્કોર 145/9 હતો. મિસબાહ-ઉલ-હક ક્રીઝ પર હતો. ધોનીએ ટીમના રેગ્યુલર બોલરને બદલે જોગિન્દરને એ નિર્ણાયક ઓવર કરવા આપી હતી. ત્યારે ઘણાને ખૂબ નવાઈ લાગી હતી અને કેટલાકે ધોનીની ટીકા પણ કરી હશે. જોકે ધોનીને જોગિન્દરની કાબેલિયત પર ભરોસો હતો.

જોગિન્દરનો પહેલો બૉલ વાઈડ પડ્યા પછી છ બૉલમાં 12 રન બનાવવાના બાકી હતા. એક ડૉટ બૉલ બાદ મિસબાહે બીજા બૉલમાં સિક્સર ફટકારી હતી. હવે ચાર બોલમાં છ રન બનાવવાના હતા. જોકે જોગિન્દરના ત્રીજા બૉલમાં મિસબાહ દુ:સાહસમાં સ્કૂપ શૉટ મારવાના પ્રયાસમાં શોર્ટ ફાઈન લેગ પર શ્રીસાન્તને કૅચ આપી બેઠો હતો અને પાકિસ્તાન ઑલઆઉટ થઈ જતાં ભારતનો યાદગાર વિજય થયો હતો.

સંબંધિત લેખો

Back to top button