T20 World Cup: ઓમાનને 47 રનમાં આઉટ કરી ઇંગ્લેન્ડ 19 બૉલમાં જીતી ગયું
ઍન્ટિગા: અહીં નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરુવારે મધ્ય પૂર્વના દેશ ઓમાન (13.2 ઓવરમાં 47/10)ની ટીમ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે (3.1 ઓવરમાં 50/2) 101 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી જીતીને સુપર-એઇટ માટેની આશા જીવંત રાખી હતી. જોકે ઇંગ્લેન્ડે હજી ઓસ્ટ્રેલિયા-સ્કોટલેન્ડ વચ્ચેની મેચના પરિણામ પર આધાર રાખવો પડશે.
ઓમાનની ટીમ ત્રણ બ્રિટિશ બોલરને કારણે 50 રન પણ નહોતી બનાવી શકી. આદિલ રાશિદ (4-0-11-4), માર્ક વુડ (3-0-12-3) અને જોફરા આર્ચર (3.2-1-12-3)ની એમાં મહત્વની ભૂમિકા હતી.
ગુરુવારે ઓમાન સામે ઇંગ્લેન્ડના કેપ્ટન જૉસ બટલરે માત્ર આઠ બોલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 24 રન બનાવ્યા હતા. જૉની બેરસ્ટો ફક્ત બે બૉલમાં બે ફોરની મદદથી બનાવેલા આઠ રને અણનમ રહ્યો હતો. જોકે બ્રિટિશ ટીમે ફક્ત 48 રનનો ટાર્ગેટ મેળવવા જતાં ફિલ સૉલ્ટ (12) અને વિલ જેક્સ (5)ની વિકેટ ગુમાવી હતી. સોલ્ટે ફાસ્ટ બોલર બિલાલ ખાનની પહેલી જ ઓવરના પ્રથમ બે બૉલમાં બે સિક્સર ફટકારી હતી અને પછી ત્રીજા બોલમાં આઉટ થઈ ગયો હતો.
ઇંગ્લેન્ડની વિક્રમજનક ટૂંકી ઇનિંગ્સની 50 રનની સ્કોરલાઈન આ મુજબ હતી: 6, 6, વિકેટ, 0, 1, 1, 1, નો બૉલ (5 રન), 0, 0, 0, વિકેટ, 4, 4, 0, 4, 4, 6, 4, 4.