T20 World Cup 2024સ્પોર્ટસ

મને બર્થ-ડેની અમૂલ્ય ગિફ્ટ આપવા બદલ ટીમ ઇન્ડિયાનો આભાર: ધોની

સચિને કહ્યું, ‘ભારતને મળ્યો વિજેતાપદનો ચોથો સ્ટાર, રોહિત-દ્રવિડ બેમિસાલ'

બ્રિજટાઉન: ટીમ ઇન્ડિયાએ શનિવારે સાઉથ આફ્રિકાને રોમાંચક ફાઈનલની છેલ્લી ઓવરમાં સાત રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો એ બદલ બેહદ ખુશ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટિંગ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની (Dhoni)એ રોહિત શર્મા (Rohit Sharma) અને સમગ્ર ભારતીય ટીમને સોશિયલ મીડિયામાં અભિનંદન આપતા લખ્યું, ‘વર્લ્ડ કપ ચેમ્પિયન્સ 2024. અમૂલ્ય ટ્રોફી ભારતને અપાવવા બદલ ટીમ ઇન્ડિયાને બિગ થેન્ક યૂ. મને બર્થ-ડેની ગિફ્ટ આપવા બદલ પણ ખૂબ આભાર.’

ધોની 42 વર્ષનો છે અને સાતમી જુલાઈએ 43 વર્ષ પૂરા કરશે. તે એડવાન્સમાં જ ટીમ ઇન્ડિયા તરફથી ટ્રોફીના રૂપમાં મળેલી બક્ષિસ બદલ આનંદિત છે.

ધોનીએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું, ‘ફાઇનલની અંતિમ પળોમાં મારા હ્રદયના ધબકારા વધી ગયા હતા. તમે બધા કટોકટીભરી સ્થિતિમાં મગજને શાંત રાખીને સમજદારીથી રમ્યા. વેલ ડન. આવા કસોટીના સમયે સતતપણે પોતાના પર ભરોસો રાખ્યો હોય તો જ જીતી શકાય અને તમે એ જ રીતે રમ્યા. તમે વર્લ્ડ કપ સ્વદેશ લાવી રહ્યા છો એ બદલ ભારતની સમગ્ર પ્રજા તેમ જ વિશ્વમાં જ્યાં પણ ભારતીય વસે છે એના વતી તમને બિગ થેન્ક યુ.’

આ પણ વાંચો…
T20 World Cup 2024 Final: ૧૭મા વર્ષે ભારત ફરી ટી-૨૦ ચેમ્પિયન

ક્રિકેટિંગ-ગૉડ તરીકે જાણીતા બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરે (Sachin Tendulkar) તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું, ‘ભારતને ચોથો સ્ટાર મળ્યો. એમાં આ બીજું ટી-20 વર્લ્ડ ટાઈટલ છે. ટીમ ઇન્ડિયાની જર્સી પરનો દરેક સ્ટાર આપણા દેશના બાળકોને પોતાના સપના પૂરા કરવાની સતત પ્રેરણા આપે છે. વેસ્ટ ઇન્ડિઝની ધરતીની વાત કરું તો ત્યાં આપણે 2007માં વન-ડે વર્લ્ડ કપમાં નિષ્ફ્ળ રહ્યા ત્યાં જ આપણે ટી-20માં પાવરહાઉસ બની ગયા. મારા દોસ્ત રાહુલ દ્રવિડ માટે હું બેહદ ખુશ છું. ખાસ તો એ માટે આનંદિત છું કે 2011ના વર્લ્ડ કપ વિજયને તે મિસ કરી ગયો હતો, પણ આ ટી-20 વિશ્વ કપની જીતમાં તેનું (હેડ-કોચ તરીકે) બહુમૂલ્ય યોગદાન હતું. તેની આ સિદ્ધિ માટે હું બેહદ ખુશ છું.’

સચિને રોહિત શર્માના પણ ભરપૂર વખાણ કરતા લખ્યું, ‘રોહિત શર્મા વિશે હું શું કહું! મને શબ્દો નથી જડતા. સુપર્બ કેપ્ટ્ન્સી. તેણે 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલની હારના આઘાતને બાજુ પર રાખી આ ટૂર્નામેન્ટ જીતવા આખી ટીમને સતત મૉટિવેટ કરી. કમાલની કેપ્ટ્ન્સી હતી તેની. બુમરાહને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો અને વિરાટને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયો એ પણ અમૂલ્ય બાબત છે. તેઓ બન્ને જ એ પુરસ્કારને પાત્ર હતા. બન્નેએ ખરા સમયે ટીમ માટે યાદગાર પર્ફોર્મન્સ આપ્યો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button