T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશની મેચો ભારતની બહાર ખસેડવામાં આવશે? જાણો BCCIએ શું કહ્યું

મુંબઈ: બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થઇ રહેલી હિંસા મામલે ભારતીયોમાં રોષની લાગણી છે, જેની અસર રમતગમત ક્ષેત્રે પણ થઇ રહી છે. તાજેતરમાં BCCI ના નિર્દેશ પર બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી કાઢી મુકવામાં આવ્યો છે, જેના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓની અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને બાંગ્લાદેશની મેચ ભારત બહાર ખસેડવા વિનંતી કરી છે.
BCBએ T20 વર્લ્ડ કપ લીગ મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને અરજી કરી છે. મુસ્તફિઝુર રહેમાનની IPL હકાલપટ્ટી બાદ બાદ BCBએ ઇમરજન્સી બોર્ડ મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ BCBના પ્રમુખ અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અમીનુલ ઇસ્લામ બુલબુલે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
અહેવાલ મુજબ બાંગ્લાદેશનાં રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ નજરુલે જણાવ્યું હતું કે તમણે BCBને નિર્દેશ આપ્યો છે કે તે ICCને વિનતી કરે કે તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની ભારતમાં આયોજિત ચાર મેચ શ્રીલંકામાં ખસેડવા BCCIને નિર્દેશ આપે.
BCCIએ શું જવાબ આપ્યો?
BCCIના સુત્રોના જણાવ્યા મુજબ કોઈની ઇચ્છાઓ મુજબ આ ફેરફારો કરી શકાય નહીં, લોજિસ્ટિકલની મોટી સમસ્યાઓ ઉભી થશે, બાંગ્લાદેશ સામે રમનારી ટીમો વિશે પણ વિચારવું પડશે, તેમની એર ટિકિટ, હોટલ બુક થઇ ગઈ છે અને અન્ય વ્યવસ્થા પર કરી લેવામાં આવી છે. દરેક દિવસે ત્રણ મેચ છે, જેને કારણે બ્રોડકાસ્ટર્સને પણ આયોજનમાં ફેરફાર કરવો મુશ્કેલ રહેશે.
જો કે ICC, BCCI કે ભારત સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવર નિવેદન આપ્યું નથી. પરંતુ BCCIના સુત્રોના જણાવ્યા મુજબ ટુર્નામેન્ટ શરુ થવાને આડે ફક્ત એક મહિનાં જેટલો સમય જ બાકી રહ્યો હોવાથી સ્થળમાં આ ફેરફાર લગભગ અશક્ય છે.
ભારતીય ટીમ માટે જ સવલત કેમ?
નોંધનીય છે કે અત્યાર સુધી પાકિસ્તાનમાં રમાતી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને મોકલવા સામે BCCI વાંધો ઉઠાવતું આવ્યું છે. ગત વર્ષે પાકિસ્તાનની યજમાનીમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને મોકલવા BCCIએ બંધો ઉઠાવ્યો હતો, જેને કારણે ICCએ ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં શિફ્ટ કરવામાં આવી હતી. અગાઉ એશિયા કપ દરમિયાન પણ ભારતીય ટીમની તમામ મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો…બાંગ્લાદેશના ક્રિકેટરો ભારતમાં રમતા ડરે છેઃ મુંબઈ-કોલકાતાને બદલે ભારતની બહાર રમવાની માગણી…



