T20 World Cup:બાંગલાદેશના બૅટરે ડીઆરએસ માટે ડ્રેસિંગ રૂમની મદદ લીધી, વીડિયો વાયરલ થયો

કિંગ્સટાઉન: બાંગલાદેશે રવિવારે નેપાળને હરાવીને સુપર-એઇટમાં પ્રવેશ કર્યો હતો. ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બાંગલાદેશ પહેલી વાર એક ટૂર્નામેન્ટમાં ત્રણ મૅચ જીત્યું છે. શનિવાર, 22મી જૂને બાંગલાદેશનો મુકાબલો ટાઈટલ માટે ફેવરિટ ભારત સાથે થશે. બાંગ્લાદેશે રવિવારે વિજય તો મેળવ્યો, પરંતુ એક ક્ષણે એણે વિવાદ જગાવ્યો હતો.
બાંગલાદેશની ઈનિંગ્સમાં 14મી ઓવર નેપાળના સ્પિનર સંદીપ લમીછાનેએ કરી હતી. તેનો એક બૉલ બાંગલાદેશી બૅટર તેન્ઝીમ સકિબને પૅડ પર લાગ્યો હતો અને અપીલ થતાં અમ્પાયરે આંગળી ઊંચી કરી દીધી હતી. જોકે બાંગલાદેશી ફાસ્ટ બોલર તેન્ઝીમ અમ્પાયરના આ નિર્ણય સામે થર્ડ અમ્પાયરની મદદ લેવી કે નહીં એ વિશે ગડમથલમાં હતો. એક તરફ તે વિચાર કરી રહ્યો હતો અને ડ્રેસિંગ રૂમ તરફ જોઈ રહ્યો હતો અને સામા છેડાના બૅટર જાકર અલી પણ ડ્રેસિંગ રૂમ સાથેનો સંપર્ક બનાવતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : T20 World Cup: બાંગલાદેશે વિક્રમો રચીને સુપર-એઇટમાં કરી એન્ટ્રી
જાકર અલીને કદાચ જવાબ મળી ગયો હતો એટલે ડીઆરએસમાં જવુ જોઈએ એવી સલાહ તેણે તેન્ઝીમને આપી હતી. તેનું માનીને તેણે થર્ડ અમ્પાયરની મદદ લીધી અને ટીવી રીપ્લેમાં જોવા મળ્યું કે બૉલ સ્ટમ્પની બહારથી પસાર થઈ ગયો હોત.
તેન્ઝીમને ફાયદો થયો અને મેદાન પરના અમ્પાયરે પોતાનો નિર્ણય બદલીને તેને નોટ આઉટ જાહેર કરવો પડ્યો હતો.
જોકે નેપાળને તેન્ઝીમની વિકેટ જરાય ભારે નહોતી પડી, કારણકે પછીના જ બૉલમાં સંદીપે તેને આઉટ કર્યો હતો.
આઈઇસીસીનો નિયમ એવો છે કે જો મેદાન પરના અમ્પાયરને એવું લાગે કે કોઈ ખેલાડી મેદાન બહારથી કોઈની મદદ લઈ રહ્યો છે તો તે એક ખેલાડીની ડીઆરએસની વિનંતી તેઓ ઠુકરાવી શકે છે.
ઘણી વાર ખેલાડીઓને ખબર નથી હોતી, પરંતુ મેદાન પરની તેમની દરેક હિલચાલ કૅમેરામાં ઝડપાઈ જતી હોય છે.
બાંગલાદેશના બંને ખેલાડી ડીઆરએસવાળા આ વર્તન બદલ ઇન્ટરનેટ પર ખૂબ ટ્રોલ થયા છે. મૅચ રેફરીની આ ઘટનાની સમીક્ષાને આધારે આઇસીસી બંને કસૂરવાર ખેલાડીને બોલાવીને ઠપકો અથવા દંડ અથવા સસ્પેન્શનની સજા કરી શકે છે.
બાંગલાદેશની હવે 20મી જૂને ઑસ્ટ્રેલિયા સામે સુપર-એઇટની મૅચ છે.