મેઘરાજાએ મજા બગાડયા પછી જાણો ઑસ્ટ્રેલિયા કેવી રીતે બંગલાદેશ સામે જીત્યું…
ઍન્ટિગા: ઑસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બંગલાદેશને વરસાદના વિઘ્નો વચ્ચે ડક્વર્થ/લુઇસ મેથડને આધારે 28 રનથી હરાવી દીધું હતું. હૅટ-ટ્રિકમૅન પૅટ કમિન્સ (4-0-29-3) આ મૅચનો હીરો હતો. તે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક લેનાર બોલર બન્યો હતો. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
બંગલાદેશે 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન બનાવ્યા હતા. નજમુલ શૅન્ટોની ટીમને 150 રન પણ ન બનાવવા દેવામાં કમિન્સ ઉપરાંત સ્પિનર ઍડમ ઝેમ્પા (4-0-24-2)નું પણ મોટું યોગદાન હતું. સ્ટાર્ક, સ્ટોઈનિસ, મેક્સવેલને એક-એક વિકેટ મળી હતી.
141 રનના સાધારણ ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાના એક તબક્કે 12મી ઓવરમાં બે વિકેટે 100 રન હતા ત્યારે ધોધમાર વરસાદને લીધે મૅચ અનિર્ણીત જાહેર કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાની રમત 11.2 ઓવર વખતે અટકી હતી. એ સમયના ઍટ પાર સ્કોરને આધારે અમ્પાયરે વિજેતા ટીમ કોણ એ નક્કી કરવાનું હતું. બંગલાદેશે 11.2 ઓવરમાં 72 રન બનાવ્યા હતા, જ્યારે ઑસ્ટ્રેલિયાના 100 રન થયા હતા.
ઑસ્ટ્રેલિયાએ 141 રનના લક્ષ્યાંક સામે ખૂબ સારી શરૂઆત તો કરી હતી, પરંતુ ઉપરાઉપરી બે વિકેટ પડી ગઈ હતી. 65મા રને ટ્રેવિસ હેડ અને 69મા રને કેપ્ટન મિચલ માર્શ આઉટ થયો હતો. બંને વિકેટ બંગલાદેશના લેકબ્રેક ગૂગલી એક્સપર્ટ રિશાદ હોસેને લીધી હતી.
જોકે ડેવિડ વોર્નર (53 અણનમ, 35 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને ટ્રેવિસ હેડ (32 રન, 21 બૉલ, બૅ સિક્સર, ત્રણ ફોર)ની 65 રનની ઓપનિંગ ભાગીદારીએ જીત માટે એવો પાયો નાખ્યો હતો કે મેઘરાજા પણ ઓસ્ટ્રેલિયાનું કંઈ બગાડી નહોતા શક્યા.
વૉર્નરની સાથે મેક્સવેલ 14 રને અણનમ રહ્યો હતો.
વરસાદના માહોલમાં વોર્નર, હેડ અને મેક્સવેલે ઝડપથી રન બનાવવાનો અપ્રોચ રાખ્યો હતો કે જેથી મૅચ અધવચ્ચે અટકી જાય તો બંગલાદેશ કરતાં ચડિયાતી સ્થિતિને આધારે જીતવા મળી શકે અને છેવટે એવું જ થયું હતું.
સુપર-એઇટ રાઉન્ડમાં બે ગ્રૂપ છે જેમાં ચાર-ચાર ટીમ છે. દરેક ગ્રૂપની પ્રત્યેક ટીમે પોતાના જ ગ્રૂપમાં કુલ ત્રણ મૅચ રમવાની છે. બેઉ ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિફાઇનલમાં જશે.