ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! પાકિસ્તાન સામેની મેચ પહેલા સ્ટાર ખેલાડી હોસ્પિટલમાં દાખલ

દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આવતી કાલે ભારતીય ટીમે નામિબિયા સામે મેચ રમવાની છે, ત્યાર બાદ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રવિવારે મેચ રમવાની છે, એ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે. ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માની તબિયત લથડી છે, તેને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ સામેની મેચ પહેલા જ અભિષેક બીમાર હતો, છતાં તે મેચ રમ્યો હતો. આ મેચમાં અભિષેક શર્મા પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો, ત્યાર બાદ તેણે ફિલ્ડિંગ કરી ન હતી, તેની જગ્યાએ સંજુ સેમસને ફિલ્ડીંગ કરી હતી. મેચ બાદ અભિષેક હેન્ડશેક માટે પણ બહાર આવ્યો ન હતો, તેની તબિયત વધુ બગડી હતી, તેને તાવ ચડ્યો હતો.
અહેવાલ મુજબ અભિષેક શર્માને પેટમાં ઇન્ફેકશન થયું છે, નામિબિયા સામેની મેચમાં અભિષેક રમી શકે એવી શક્યતા ઓછી છે. ગઈ કાલે મંગળવારે ભારતીય ટીમના પ્રેકટીસ સેશનમાં પણ અભિષેક ભાગ લઇ શક્યો ન હતો.
આસિસ્ટન્ટ કોચે આપ્યા મહત્વના અપડેટ્સ:
ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે જણાવ્યું, “અભિષેક ને હજુ પણ પેટમાં થોડી સમસ્યાઓ છે. અમને આશા છે કે તે બે દિવસમાં મેચ માટે તૈયાર થઇ જશે.”
રાયન ટેન ડોઇશેટે જણાવ્યું કે 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામેની મેચ પહેલા વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમમાં જોડાયો છે અને ટીમ સાથે પ્રેક્ટીસ કરી રહ્યો છે.
ડોશેટે જસપ્રીત જસપ્રીત બુમરાહની તબિયત અંગે પણ અપડેટ આપ્યું. તેમણે કહ્યું, “બુમરાહ 10 દિવસના વિરામ પછી બોલિંગ કરી રહ્યો છે, અને તે ઘણું સારું અનુભવી રહ્યો છે. તે આજે ફરી બોલિંગ કરશે.”



