T20 વર્લ્ડ કપ 2026: ભારતમાં સલામતીની ચિંતા વચ્ચે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, હિંદુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

ઢાકા: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ રમાવવાનો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)એ ભારતમાં તેના ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને બાંગ્લાદેશની તમામ મેચ ભારત બહાર ખસેડવા ICCને વિનંતી કરી છે, આ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લિટન દાસ કેપ્ટન કેપ્ટન બનવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં થઇ રહેલી રાજકીય હિંસા દરમિયાન ત્યાંના હિંદુ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેને કારણે ભારતના લોકોમાં રોષની લાગણી છે. તાજેતરમાં IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. એવામાં BCBને હિંદુ ખેલાડી લિટન દાસને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે મોહમ્મદ સૈફ હસન ટીમનો વાઈસ-કેપ્ટન રહેશે.
ગત મહીને BPL 2026 માં રાજશાહી વોરિયર્સ તરફથી રમતા સિલહટ ટાઇટન્સ સામે સદી ફટકારવા છતાં ભૂતપૂર્વ કેપ્ટન નજમુલ હુસૈન શાંતો ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
BCBએ T20 વર્લ્ડ કપ માટેની ટીમમાં મુસ્તફિઝુર રહેમાન અને તસ્કિન અહેમદ જેવા અનુભવી ફાસ્ટ બોલરોને સ્થાન આપ્યું છે. સ્પિન અટેક માટે મહેદી હસન, નસુમ અહેમદ અને રિશાદ હુસૈનને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે કેપ્ટન લિટન દાસ, પરવેઝ હુસૈન ઇમોન અને તનઝીદ હસન પર બેટિંગ મોરચો સંભાળવાની જવાબદારી રહેશે.
બાંગ્લાદેશની મેચ:
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશને ઈંગ્લેન્ડ, ઇટાલી, નેપાળ અને વેસ્ટ ઈન્ડિઝ સાથે ગ્રુપ Cમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમની ચાર ગ્રુપ સ્ટેજ મેચમાંથી ત્રણ કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની પહેલી મેચ 7 ફેબ્રુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાશે. ત્યાર બાદ બાંગ્લાદેશ 9 ફેબ્રુઆરીના રોજ ઇટાલી સામે ઇડન ગાર્ડન્સ ખાતે જ મેચ રમશે. 14 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ ઇંગ્લેન્ડ સામે ઇડન ગાર્ડન્સ ખાતે મેચ રમશે, અને છેલ્લી લીગ મેચ 17 ફેબ્રુઆરીના રોજ નેપાળ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની સ્કવોડ:
લિટન દાસ (કેપ્ટન), મોહમ્મદ સૈફ હસન (વાઈસ-કેપ્ટન), તન્ઝીદ હસન, મોહમ્મદ પરવેઝ હુસૈન ઈમોન, તોહીદ હ્રિદોય, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શાકિબ મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તનજીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, મોહમ્મદ શૈફુદ્દીન અને શોરીફુલ ઈસ્લામ.



