રોહિત માટે વડા-પાંઉ, વિરાટ માટે છોલે-ભટૂરે!
નવી દિલ્હી/મુંબઈ: વર્લ્ડ કપના વિજયના ઉન્માદમાં ભારતીય ટીમ ગુરુવારે વહેલી સવારે પાટનગર દિલ્હી આવી પહોંચી ત્યારે ઍરપોર્ટ પર અને પછી આઇટીસી મૌર્ય હોટેલમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, હોટેલમાં તેમના માટે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ અને ફેવરિટ ડિશ પણ તૈયાર રાખવામાં આવી હતી.
દિલ્હીની હોટેલના શેફે ખેલાડીઓ, કોચિંગ-સ્ટાફ તથા સપોર્ટ-સ્ટાફના મેમ્બર્સ તેમ જ ખેલાડીઓના પરિવારજનો માટે નાસ્તાની તેમ જ જમવાની ખાસ વ્યવસ્થા કરી રાખી હતી.
દરેક પ્લેયરના રૂમમાં મોટા જાર રાખવામાં આવ્યો હતો જેમાં પિસ્ટૅશિયો, નાન ખટાઇ, સિનેમન સુપર પામેર, ચારોલી, પાપ્રિકા ચીઝ ટ્વિસ્ટ, સન્ડ્રાઇડ ટૉમેટો, અમરનાથ પિનવ્હીલ અને ચૉકલેટ ટ્રફલ રૉલ્સ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: T20 World Cup 2024: ભારતની જીત પર શું બોલ્યું ઇઝરાયલ, ટ્વિટ થઇ વાયરલ
હોટેલના શેફ દ્વારા કૅપ્ટન રોહિત શર્મા તથા પીઢ ખેલાડી વિરાટ કોહલી માટે ખાસ તેમના ફેવરિટ નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. રોહિત માટે મુંબઈ-સ્ટાઇલના વડા-પાંઉ તથા વિરાટ માટે છોલે-ભટૂરે રાખવામાં આવ્યા હતા.
તમામ મહેમાનો માટે ફ્રેશ ફ્રૂટ્સ અને કેરી તેમ જ બ્લૅકબેરી પણ રાખવામાં આવ્યા હતા અને નાસ્તાના સમયે તેમને એ બધુ પીરસવામાં આવ્યું હતું.
હોટેલ દ્વારા વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ટીમ માટે સ્પેશિયલ કેક પણ તૈયાર રાખવામાં આવી હતી. આ કેક ટીમ જર્સીના રંગની હતી અને ટૉપ પર ચૉકલેટથી વર્લ્ડ કપની ટ્રોફી બનાવવામાં આવી હતી.