Gavaskar-Babar at Dallas airport : ગાવસકર અને બાબર આઝમ વચ્ચેની વાતચીતનો વિડિયો ખૂબ વાઇરલ થયો છે

ડલાસ: ભારતના ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર અને પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન બાબર આઝમ બે દિવસ પહેલાં અમેરિકામાં ડલાસની હોટેલના ડાઇનિંગ એરિયામાં ભેગા થઈ ગયા હતા અને તેમણે ઘણી વાર સુધી વાતચીત કરી હતી જેનો વિડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ ઓચિંતી મુલાકાતનો વિડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. બન્ને વચ્ચેની મૈત્રીભરી વાતચીત, ખેલદિલીથી એકમેકને અપાયેલી શુભેચ્છા તેમ જ ક્રિકેટપ્રેમીઓને બન્ને કટ્ટર હરીફ દેશો વચ્ચેના ક્રિકેટ-જંગ પહેલાંની મિત્રતાની ઝલક કરોડો ક્રિકેટપ્રેમી સુધી પહોંચાડવાની પોતે તક ઝડપી લીધી હોવાનું પીસીબીએ જણાવ્યું હતું.
સની ગાવસકર કૉમેન્ટેટર તરીકે આ વર્લ્ડ કપમાં આવ્યા છે. પાકિસ્તાનની પ્રથમ મૅચ છઠ્ઠી જૂને ડલાસમાં (ભારતીય સમય મુજબ રાત્રે 9.00 વાગ્યાથી) યજમાન અમેરિકા સામે રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં છે અને ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને ન્યૂ યૉર્કમાં (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) આયરલૅન્ડ સામે રમાવાની છે.
વિડિયોમાં જોવા મળે છે કે ગાવસકર અને બાબરે હાથ મિલાવ્યા હતા અને મૈત્રીભરી ચર્ચા કરી હતી.
બાબરની ટીમ ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં 0-2થી પરાજિત થઈને અમેરિકા આવી છે.