T20 World Cup 2024

WWEનો ભૂતપૂર્વ ચૅમ્પિયન ભારત-કૅનેડાની મૅચ જોવા આવશે

લૉઉડરહિલ (ફ્લોરિડા): રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું છે એટલે હવે બળાબળની હરીફાઈ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ભારતીય ટીમને વિશ્વ કપના આરંભ પહેલાં ફક્ત બાંગલાદેશ સામે વૉર્મ-અપ મૅચ રમવા મળી હતી અને એમ છતાં રોહિત ઍન્ડ કંપનીએ આસાનીથી (ખાસ કરીને પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં છ રનથી હરાવીને) સુપર-એઇટમાં સ્થાન પાક્કું કરી લીધું છે. જોકે હવે ભારતને કૅનેડા સામેની છેલ્લી લીગ મૅચમાં પ્રૅક્ટિસ કરવાનો મોકો છે. સાત ભારતીય મૂળના ખેલાડીઓનો સમાવેશ ધરાવતી કૅનેડાની ટીમની ભારત સામેની આ લીગ મૅચ શનિવાર, 15મી જૂને (ભારતીય સમય રાત્રે 8.00 વાગ્યાથી) ફ્લોરિડા સ્ટેટના લૉઉડરહિલમાં રમાવાની છે અને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)નો ભૂતપૂર્વ ચૅમ્પિયન જિંદર મહલ (Jinder Mahal) આ મૅચ જોવા સ્ટેડિયમમાં હાજરી આપશે.

ભારત-કૅનેડાની લીગ મૅચ લૉઉડરહિલના સેન્ટ્રલ બ્રૉવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.
જિંદર મહાલ તેના ચાહકોમાં ‘ધ મહારાજા’ તરીકે જાણીતો છે. તે ભારત-કૅનેડાની ક્રિકેટ મૅચ જોશે એની જાણકારી ક્રિકેટ કૅનેડાના સત્તાવાર સોશિયલ મીડિયા હૅન્ડલ પર આપવામાં આવી હતી.

આ પણ વાંચો: T20 World Cup:ભારતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં કોની સામે રમવાનું છે એ નક્કી થઈ ગયું! હરીફો કોણ છે, જાણો છો?

જિંદર મહલનું ખરું નામ યુવરાજ સિંહ ધેસી છે. તે 37 વર્ષનો છે અને કૅનેડાનો પ્રોફેશનલ રેસલર છે. તેનો જન્મ 1986માં કૅનેડાના કૅલગ્રીમાં થયો હતો. તે છ ફૂટ, પાંચ ઇંચ ઊંચો છે અને તેનું વજન 108 કિલો છે. ભારતીય મૂળનો જિંદર મહલ 2018-’19માં ડબ્લ્યૂડબ્લ્યૂઇમાં ચૅમ્પિયન બન્યો હતો. તે એક વાર યુએસ ચૅમ્પિયન અને બે વખત ડબ્લ્યૂડબ્લ્યૂઇ 24/7 ચૅમ્પિયન બની ચૂક્યો છે. તે આગામી જુલાઈમાં બ્લૅક લેબલ પ્રો નામની સ્પર્ધામાં ડેબ્યૂ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button