ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં રમશે આ દેશમાં….ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇનો આભાર માન્યો!
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોમ-સિરીઝનો કાર્યક્રમ ગુરુવારે જાહેર થયો ત્યારે લાગતું હતું કે બે મહિનાની આઇપીએલ રમ્યા બાદ ટી-20ના વર્તમાન વર્લ્ડ કપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓને આ ટૂર્નામેન્ટ પછી ઘણો આરામ મળશે. જોકે એવું નથી. તેમણે સતત રમતા જ રહેવાનું છે. એમાં પણ ડોમેસ્ટિક સીઝનની (ખાસ કરીને રણજી ટ્રોફીની) મૅચો રમવી પડશે એ અલગ. વાત એવી છે કે આગામી નવેમ્બરમાં ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે એ પહેલાં તેમણે સાઉથ આફ્રિકાની ટૂંકી ટૂર પર જવું પડશે જેમાં તેઓ ચાર ટી-20 રમશે.
ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પછી અને ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂર પહેલાંનો હશે. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડનાં ચૅરપર્સન લૉસન નાયડુએ ભારતની સાઉથ આફ્રિકા ખાતેની ટૂર નક્કી કરવા બદલ બીસીસીઆઇનો આભાર માન્યો છે અને સંદેશમાં જણાવ્યું છે કે ‘સાઉથ આફ્રિકા ક્રિકેટને સતતપણે સપોર્ટ કરતા રહેવા બદલ અમે બીસીસીઆઇનો આભાર માનીએ છીએ. અમારી ધરતી પર જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમ આવે છે ત્યારે અમારે ત્યાં ક્રિકેટની બાબતમાં અદ્ભુત માહોલ સર્જાય છે અને ક્રિકેટપ્રેમીઓને રોમાંચક મૅચો માણવા મળે છે. મને ખાતરી છે કે અમારા ક્રિકેટ ફૅન્સ પણ ભારતીય ટીમની ટૂરની રાહ જોશે. એ શ્રેણીમાં તેમને બન્ને ટીમની ટૅલન્ટ જોવા મળશે.’
આ પણ વાંચો : પાકિસ્તાની ક્રિકેટરો બૈરી-છોકરાંને વર્લ્ડ કપમાં લઈ ગયા હતા? ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસ્યો
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પ્રતિક્રિયામાં જણાવ્યું, ‘ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના સંબંધો હંમેશાં મજબૂત રહ્યા છે. ભારતીય ક્રિકેટરોને સાઉથ આફ્રિકાના ક્રિકેટ ફૅન્સ તરફથી એકધારો અખૂટ પ્રેમ મળતો રહ્યો છે. આ વિશે કહું તો ભારતીય ક્રિકેટ ફૅન્સમાં પણ સાઉથ આફ્રિકાના ક્રિકેટરો પ્રત્યે વર્ષોથી અખૂટ પ્રેમ રહ્યો છે. મને ખાતરી છે કે આગામી સિરીઝ પણ મેદાન પર ક્રિકેટની ઉત્કૃષ્ટાને ફરી ઉજાગર કરશે.’
ભારતીય ટીમની 8-15 નવેમ્બર દરમ્યાન સાઉથ આફ્રિકામાં ચાર ટી-20 ડરબન, કેબૅરહા (અગાઉનું નામ પોર્ટ એલિઝાબેથ), સેન્ચુરિયન અને જોહનિસબર્ગમાં રમાશે.
અગાઉ બન્ને દેશ વચ્ચેની ટી-20 સિરીઝ 1-1થી બરાબરીમાં રહી હતી.