T20 World cup: ફ્લોરિડામાં વરસાદે સુપર-8નું ગણિત જટિલ બનાવ્યું, ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટીસ સેશન પણ રદ
માયામી: ટી20 વર્લ્ડ કપ(T20 worldcup)માં આયર્લેન્ડ,પાકિસ્તાન અને યુએસએને હરાવી ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team)એ જીતની હેટ્રિક લગાવી છે. ભારતીય ટીમે સુપર-8માં સ્થાન મેળવી લીધું છે, એ પહેલા ટીમ લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમવા માટે ફ્લોરિડા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડની છેલ્લી મેચ શનિવારે ફ્લોરિડા(Florida)ના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં કેનેડા(IND vs CAN) રમશે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યા હતા, ટીમ પ્રેક્ટીસ વિના મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો: T20 World Cup: ઓમાનને 47 રનમાં આઉટ કરી ઇંગ્લેન્ડ 19 બૉલમાં જીતી ગયું
ભારતીય ટીમ આજે 14 જૂને લોન્ડરહિલ ખાતે પ્રેક્ટિસ કરવાની હતી. જો કે, વરસાદના કારણે આ તાલીમ સત્ર રદ કરવામાં આવ્યું છે. આ મેદાન પર આજે 14 જૂને યોજાનારી અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ થવાનો ભય છે. ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારબાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ અઠવાડિયા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયે ફ્લોરિડામાં પાકિસ્તાન અને આયર્લેન્ડની મેચ પણ રમાવાની છે.
ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ફ્લોરિડા બાદ ટીમ ઇન્ડિયા સુપર-8 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. સુપર-8માં ટીમ 20 જૂને અફઘાનિસ્તાન અને 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે.
આ પણ વાંચો: T20 World Cup:અફઘાનિસ્તાન વર્લ્ડ કપના સુપર-એઇટમાં: ન્યૂ ઝીલેન્ડની શૉકિંગ એકઝિટ
લોન્ડરહિલ ખાતે છેલ્લી મેચ શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાવાની હતી. 12 જૂને આ મેચ ટોસ થયા વિના જ રદ કરવામાં આવી હતી. લોન્ડરહિલ(Lauderhill) મિયામી પાસે આવેલું છે, માયામીમાં પૂરની શક્યતા છે. સોશિયલ મીડિયા પર વરસાદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વાહનો પણ પાણીમાં વહેતા જોવા મળી રહ્યા છે.
વરસાદે પોઈન્ટ ટેબલનું ગણિત જટિલ બનાવી દીધું છે. ભારતીય ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જો કે પાકિસ્તાન હજુ પણ સુપર-8માં સ્થાન નક્કી નથી કરી શક્યું. જો અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો છેલ્લી મેચ જીત્યા બાદ પણ તેઓ સુપર-8 માટે ક્વોલિફાય કરી શકશે નહીં. આ ટીમો પોતાના લીગ રાઉન્ડની છેલ્લી મેચ માટે ફ્લોરિડા પણ પહોંચી ગઈ છે.