ભારત-ઇંગ્લૅન્ડ મુકાબલાના આજના સ્થળે વરસાદ, મેઘરાજા મૅચમાં પણ પરેશાન કરી શકે
મૅચ નહીં જ રમાય તો ભારત સીધું ફાઇનલમાં જશે: જાણો કઈ ટીમ કેવી રીતે સેમિ ફાઇનલ સુધી પહોંચી

ગયાના: અહીં પ્રૉવિડન્સ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની આજની સેમિ ફાઇનલ રમાવાની છે, પરંતુ હાલમાં આ સ્થળે (ગયાનામાં) વરસાદ છે, આકાશમાં વાદળો છવાયેલા રહે છે અને ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યે મૅચ શરૂ એ પહેલાં તેમ જ મૅચ પછી લગભગ દોઢ-બે કલાકના સમયગાળા દરમ્યાન અથવા ત્યાર પછી પણ મેઘરાજા પરેશાન કરશે એવી સ્થાનિક વેધશાળાની આગાહી મુજબના અહેવાલમાં જણાવાયું હતું. આ બધુ જોતાં મૅચ (ભારતીય સમય મુજબ) મોડી રાત સુધી લંબાઈ શકે એમ છે.
આ પણ વાંચો : SA vs AFG Highlights: સાઉથ આફ્રિકા વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલમાં
ભારત-ઇંગ્લૅન્ડની સેમિ ફાઇનલ દરમ્યાન વરસાદ પડવાની 75 ટકાથી 90 ટકા સંભાવના છે. વરસાદની સાથે ઠંડો પવન પણ ફૂંકાશે એટલે બૅટર્સ અને બોલર્સના પર્ફોર્મન્સને અસર થઈ શકે.
ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે, જ્યારે જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમને નસીબનો ખૂબ સાથ મળ્યો છે. લીગ રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા સામે પરાજિત થયેલી આ ટીમને સ્કૉટલૅન્ડ સામેના અનિર્ણીત મુકાબલાથી એક પૉઇન્ટ મળ્યો અને ગ્રૂપની બીજી બે નબળી ટીમ (ઓમાન તથા નામિબિયા) સામે જીતીને ઇંગ્લૅન્ડની ટીમ માંડ-માંડ સુપર-એઇટમાં પહોંચી હતી. સુપર-એઇટમાં પણ બ્રિટિશ ટીમ સાઉથ આફ્રિકા સામે હારવા છતાં મહા મહેનતે અને ભાગ્યના સાથ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી હતી.
આ પણ વાંચો : આજે વરસાદને લીધે મૅચ ન રમાય તો ભારત જશે ફાઇનલમાં… જાણો કેવી રીતે…
સવારે સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ ગયેલી પ્રથમ સેમિ ફાઇનલ માટે રિઝર્વ-ડે હતો, પણ ભારત-ઇંગ્લૅન્ડની સેમિ ફાઇનલ માટે રિઝર્વ-ડે નથી રખાયો. હા, આ સેમિ ફાઇનલ માટે વધારાની 250 મિનિટ (ચાર કલાક અને બીજી 10 મિનિટ)ની વ્યવસ્થા રાખવામાં આવી છે એટલે એ વધારાના સમયમાં પણ મૅચનું પરિણામ લાવી શકાશે. ટૂંકમાં, મૅચનું પરિણામ લાવવા માટે કુલ મળીને લગભગ આઠ કલાક (વન-ડે મૅચ જેટલો સમય) આપવામાં આવશે.
જોકે પરિણામ લાવવા માટે બન્ને ટીમની 10-10 ઓવર થઈ હોવી જરૂરી છે.
જો મૅચ વરસાદ કે બીજા કોઈ કારણસર નહીં જ રમાય તો ભારત સીધું ફાઇનલમાં જશે. આઇસીસીના નિયમ મુજબ સુપર-એઇટ રાઉન્ડમાં ભારત પોતાના ગ્રૂપમાં નંબર-વન હતું એટલે ફાઇનલમાં એને જ જવા મળશે, કારણકે ઇંગ્લૅન્ડ પોતાના ગ્રૂપમાં નંબર-ટૂ હતું.
કઈ ટીમ કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચી:
ભારત
(1) આયરલૅન્ડ સામે લીગમાં આઠ વિકેટે વિજય
(2) પાકિસ્તાન સામે લીગમાં છ રનથી વિજય
(3) અમેરિકા સામે લીગમાં સાત વિકેટે વિજય
(4) કૅનેડા સામે લીગની મૅચ અનિર્ણીત રહી
(5) અફઘાનિસ્તાન સામે સુપર-એઇટમાં 47 રનથી વિજય
(6) બંગલાદેશ સામે સુપર-એઇટમાં 50 રનથી વિજય
(7) ઑસ્ટ્રેલિયા સામે સુપર-એઇટમાં 24 રનથી વિજય
ઇંગ્લૅન્ડ
(1) સ્કૉટલૅન્ડ સામેની લીગ મૅચ અનિર્ણીત રહી
(2) ઑસ્ટ્રેલિયા સામે લીગમાં 36 રનથી પરાજય
(3) ઓમાન સામે લીગમાં આઠ વિકેટે વિજય
(4) નામિબિયા સામે લીગમાં 41 રનથી વિજય
(5) વેસ્ટ ઇન્ડિઝ સામે સુપર-એઇટમાં આઠ વિકેટે વિજય
(6) સાઉથ આફ્રિકા સામે સુપર-એઇટમાં સાત રનથી પરાજય
(7) અમેરિકા સામે સુપર-એઇટમાં 10 વિકેટે વિજય