T20 World Cup 2024સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનના બે સ્ટાર ખેલાડી સામસામે આવી ગયા, આઇસીસીએ કહ્યું, ‘મામલા ગરમ હૈ’

કિંગ્સટાઉન: ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારની મૅચમાં જોરદાર રસાકસી થઈ જ હતી, એમાં ખાસ કરીને બે હરીફ ખેલાડી વચ્ચે ચકમક પણ થઈ હતી.

વર્લ્ડ કપ જેવી સર્વોચ્ચ સ્તરની સ્પર્ધા રમાતી હોય અને એમાં સુપર-એઇટ જેવા ‘ડુ ઑર ડાય’ જેવા રાઉન્ડની મહત્ત્વની મૅચ હોય તો થોડી તો ગરમાગરમી તો થવાની જ.

આ મૅચમાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને આંચકો આપ્યો હતો. અફઘાનિસ્તાને આપેલો 149 રનનો સાધારણ લક્ષ્યાંક પણ ઑસ્ટ્રેલિયા નહોતું મેળવી શક્યું અને 127 રને ઑલઆઉટ થઈ જતાં 21 રનથી હારી ગયું હતું.

ટી-20ની ટૂંકા ફૉર્મેટની મૅચમાં આમ તો દરેક પળ રોમાંચક અને રસાકસીભરી હોય, પરંતુ એક ક્ષણ એવી આવી ગઈ જેમાં ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (Marcus Stoinis) અને વિકેટકીપર-બૅટર રહમનુલ્લા ગુરબાઝ (Gurbaz) વચ્ચે ચકમક થઈ હતી.

આ પણ વાંચો: T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું

ગુરબાઝે આખી મૅચમાં ચાર સિક્સર, ચાર ફોરની મદદથી સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તેની અને ઝડ્રાન (51) વચ્ચે 118 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

સ્ટોઇનિસે ગુરબાઝને આઉટ કરીને વારંવાર હાથના ઇશારાથી તેને પૅવિલિયન ભેગા થઈ જવાનો ઇશારો કર્યો હતો. જોકે પછીથી સ્ટોઇનિસ બૅટિંગમાં આવ્યો ત્યારે વિકેટકીપર ગુરબાઝે પાછળ ઊભા ઊભા તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું હતું. બન્યું એવું કે સ્ટોઇનિસ સ્ટ્રાઇક પર હતો ત્યારે એક ક્ષણે ગુરબાઝે તેને એવો ટ્રૉલ કર્યો કે તેની એકાગ્રતા તૂટી ગઈ હતી. સ્ટોઇનિસ માત્ર 11 રન બનાવીને મૅચના સુપરસ્ટાર બોલર ગુલબદીન નઇબના એક બૉલમાં ગુરબાઝના હાથમાં જ કૅચઆઉટ થયો હતો.

આ ચકમક ટૂંકી જરૂર હતી, પણ સૌનું ધ્યાન એના પર ખેંચાયું હતું. આઇસીસીએ તો એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો અને ‘મામલા ગરમ હૈ’ અર્થમાં કૅપ્શન લખી હતી.

તાજેતરની આઇપીએલમાં ગુરબાઝ ચૅમ્પિયન બનેલી કોલકાતાની ટીમ વતી અને સ્ટોઇનિસ સાતમા સ્થાને રહેનાર લખનઊની ટીમ વતી રમ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button