T20 World Cup: ‘સેહવાગ કોણ?’ એવું બોલીને શાકિબને વીરુદાદાનું મંતવ્ય ઠીક લાગ્યું
કિંગ્સટાઉન (સેન્ટ વિન્સેન્ટ): બાંગલાદેશના ઑલરાઉન્ડર અને રોહિત શર્માની જેમ 2007ના પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં પણ રમી ચૂકેલા શાકિબ અલ હસન (Shakib Al Hasan)ની છેલ્લી 10માંથી માત્ર બે ઇનિંગ્સ પ્રશંસનીય રહી છે અને આઠ મૅચમાં તે ફ્લૉપ રહ્યો છે જેને ધ્યાનમાં લઈને ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને એક સમયના વિસ્ફોટક બૅટર તરીકે ઓળખાતા વીરેન્દર સેહવાગે (Virender Sehwag) તાજેતરમાં તેના પર્ફોર્મન્સની જે આકરી ટીકા કરી હતી એનાથી શાકિબને માઠું લાગી ગયું અને એની પ્રતિક્રિયા તેણે ગુરુવારની નેધરલૅન્ડ્સ સામેની મૅચ પછી વ્યક્ત કરી હતી. શાકિબને તેના પર્ફોર્મન્સ વિશે વીરુદાદાએ કરેલી ટીકા વિશે એક પત્રકારે પૂછ્યું ત્યારે પહેલાં તો તેણે ‘કોણ?’ એવા આશ્ર્ચર્ય સાથે જવાબ શરૂ કર્યો હતો અને પછી સેહવાગના અમુક મંતવ્યો સાથે આડકતરી રીતે સહમતી બતાવી હતી.
37 વર્ષના શાકિબે ગુરુવારની મૅચમાં 46 બૉલમાં નવ ફોરની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. જોકે પછીથી તેને 29 રનમાં એકેય વિકેટ નહોતી મળી. બાંગલાદેશે નેધરલૅન્ડ્સને આ મૅચમાં પચીસ રનથી હરાવી દીધું હતું.
ખરેખર તો શાકિબ માટે આ વર્લ્ડ કપ સારો નથી રહ્યો. પહેલી બે મૅચમાં તેણે કુલ માત્ર 11 રન બનાવ્યા હતા અને એકેય વિકેટ નહોતો લઈ શક્યો. બાંગલાદેશ એ બેમાંથી એક મૅચ હારી ગયું હતું.
આ પણ વાંચો: બાંગલાદેશે નેધરલેન્ડ્સને હરાવ્યું એટલે શ્રીલંકા થયું આઉટ
સેહવાગે એક જાણીતી ક્રિકેટ સાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં શાકિબની ટીકા થોડા આકરા શબ્દોમાં કરી હતી. વીરુદાદાએ કહ્યું, ‘તું ખૂબ અનુભવી ખેલાડી છે અને તું કૅપ્ટનપદે પણ રહી ચૂક્યો છે, પરંતુ તારા છેલ્લા થોડા સમયના આંકડા કેટલા બધા ખરાબ છે. તારે પોતે શરમાવું જોઈએ અને ટી-20 ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેવી જોઈએ. સાઉથ આફ્રિકા સામે બાંગલાદેશ જે મૅચમાં પરાજિત થયું એમાં શાકિબને બહોળા અનુભવને આધારે લેવામાં આવ્યો એવું જો હોય તો અનુભવ જેવું કંઈ દેખાયું જ નહોતું. તારે ક્રીઝમાં થોડો સમય વીતાવવો પડે. તું કંઈ હેડન કે ગિલક્રિસ્ટ નથી કે તેમની જેમ શૉર્ટ બૉલમાં આસાનીથી પુલ શૉટ ફટકારી શકે. તું તો બાંગલાદેશનો પ્લેયર છે. તારા ધોરણ મુજબ રમ. હૂક કે પુલ શૉટ ન રમી શકતો હોય તો માત્ર તને ફાવે છે એવા જ શૉટ મારવાનું રાખ.’
આ પણ વાંચો: T20 World Cup: ઓમાનને 47 રનમાં આઉટ કરી ઇંગ્લેન્ડ 19 બૉલમાં જીતી ગયું
શાકિબને ગુરુવારે મૅચ પછી પત્રકાર પરિષદમાં સેહવાગની ટિપ્પણી વિશે પૂછાયું ત્યારે પત્રકારનો સવાલ પૂરો થાય એ પહેલાં તે ‘કોણ?’ એવું બોલ્યો અને પછી આડકતરી રીતે વીરુદાદાના મંતવ્ય સાથે સંમત થતા કહ્યું, ‘પહેલી વાત તો એ છે કે સામાન્ય રીતે કોઈ પણ પ્લેયર પોતાની ટીકા વિશે પ્રતિક્રિયા આપે જ નહીં. બૅટર હોય તો મેદાન પર બૅટથી અને બોલર હોય તો બૉલથી જવાબ આપે. જોકે સેહવાગનું મંતવ્ય હું સમજી શકું છું. વિકેટ મળવી એ સાથે નસીબ પણ જોડાયેલું છે. ફીલ્ડર હોય તો તેનું કામ રન બચાવવાનું અને બને એટલા કૅચ પકડવાનું હોય છે. ખેલાડીનું કામ ટીમને બને એટલું યોગદાન આપવાનું છે. જો તે પૂરતું યોગદાન ન આપી શકે તો સ્વાભાવિક છે કે તેના પર્ફોર્મન્સ પર ચર્ચા થાય જ અને એમાં કંઈ ખોટું પણ નથી.’