T20 World Cup 2024સ્પોર્ટસ

રોહિતે કર્યા હાર્દિકના ભરપેટ વખાણ, હાર્દિકે પણ કહ્યું, ‘અમે બહુ સારા ટીમ-વર્કથી જીત્યા’

કિંગ્સટાઉન: માર્ચ-એપ્રિલ-મેની આઇપીએલ દરમ્યાન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના મુદ્દે જાત જાતની અટકળો થતી હતી અને સાથી-ખેલાડી તરીકેના તેમની વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની અફવા વાયરલ થઈ હતી. જોકે આઇપીએલ બાદ ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓ શરૂ થતાં અને ભારતીય ખેલાડીઓ અમેરિકા પહોંચ્યા ત્યાર બાદ સંબંધોમાં ખટરાગ હોવાની બધી વાતો હવામાં ઉડી ગઈ હતી.

વર્લ્ડ કપમાં રોહિત ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન અને હાર્દિક વાઇસ-કૅપ્ટન છે અને (આઇપીએલની નિરાશા બાદ) હવે તો હાર્દિકના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની બોલબાલા છે. ખાસ કરીને શનિવારે બંગલાદેશ સામેની જીત બાદ રોહિતે અને રવિવારે હાર્દિકે ઇન્ટરવ્યૂમાં જે કંઈ કહ્યું એના પરથી ખાતરી સાથે કહી શકાય કે જબરદસ્ત ટીમ-વર્ક ભારતને આ વખતે ટી-20 વર્લ્ડ કપની બીજી ટ્રોફી અપાવી શકશે.

શનિવારે બંગલાદેશ સામેની મૅચમાં ભારતે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા જેમાં રોહિતના માત્ર 23 રન હતા, પરંતુ હાર્દિકે 27 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા જે મૅચ-વિનિંગ બન્યા હતા. હાર્દિકે વિકેટકીપર-ઓપનર લિટન દાસ (13 રન)ની પ્રાઇઝ વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો: T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું

હાર્દિકે કટોકટીના સમયે ટીમનો ધબડકો રોકીને ભારતને 196 રનનું પડકારરૂપ ટોટલ અપાવ્યું હતું. હાર્દિકે શિવમ દુબે અને અક્ષર પટેલ સાથે બે મહત્ત્વની ભાગીદારી પણ કરી હતી. બંગલાદેશની ટીમ આઠ વિકેટે 146 રન બનાવી શક્તા ભારતનો 50 રનથી વિજય થયો હતો. હાર્દિકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

મૅચ પછી રોહિતે ઇનામ-વિતરણ સમારંભમાં કહ્યું, ‘અમારી ટીમ પોતાની જવાબદારી બહુ સારી રીતે સમજે છે. અમારે કઈ સ્થિતિમાં કેવી રીતે રમવું એ પણ અમે બધા સારી રીતે જાણીએ છીએ. અહીં પવન ખૂબ છે એટલે અમારે એને ધ્યાનમાં રાખીને રમવાનું હતું અને એ રીતે રમ્યા. અમારામાં ટૉપ-સ્કોર 50 રનનો (હાર્દિકનો) હતો એમ છતાં અમે 196 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવી શક્યા.

ટી-20માં હાફ સેન્ચુરી કે સેન્ચુરી કરતાં વધુ અગત્યનું એ છે કે તમે હરીફ બોલર્સ પર કેટલું પ્રેશર નાખો છો. હાર્દિક આજે જે રીતે રમ્યો એ બહુ જ પ્રશંસનીય છે. ટૉપ-ફાઇવ બૅટર્સે યોગદાનો આપ્યા એ પછી તેણે ટીમને વધુ સારી સ્થિતિમાં લાવી દીધી હતી. હાર્દિક કેવું સંગીન રમી શકે છે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આજનો તેનો પર્ફોર્મન્સ એ બાબતમાં પરફેક્ટ ઉદાહરણ છે. બૅટિંગ હોય કે બોલિંગ, ટીમ ઇન્ડિયા માટે હાર્દિક ખૂબ જ મહત્ત્વનો ખેલાડી છે.’

હાર્દિકે શનિવારના બંગલાદેશ સામેના મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ બાદ કહ્યું, ‘અમે બધા બહુ સારું રમ્યા. અમે બહુ સારું ટીમ-વર્ક બતાવ્યું અને નક્કી થયેલી અમારી યોજનાઓને બરાબર પાર પાડી. અમુક સંજોગોમાં બધાએ આગળ આવીને જવાબદારી ઉપાડવાની હોય છે.

હું બોલિંગમાં હતો ત્યારે મને લાગ્યું કે બંગલાદેશના બૅટર્સ પવનના પ્રવાહનો ઉપયોગ કરવા માગે છે. એ ધ્યાનમાં હોવાથી મેં નક્કી કરેલું કે પવન જે દિશામાં જઈ રહ્યો હોય એ દિશા તરફ બૅટર્સ શૉટ ફટકારી શકે એવો બૉલ ન જ ફેંકવો. એ રીતે હું હરીફ બૅટર્સથી એક ડગલું આગળ રહ્યો હતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker