T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: પહેલી જ મૅચમાં રેકૉર્ડની વર્ષા, અમેરિકી બૅટરે રચ્યો ઇતિહાસ

Aaron Jones જેવો રેકૉર્ડ રોહિત, વિરાટ, ધોની પણ નથી કરી શક્યા!

ડલાસ: આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત થઈ છે. ડલાસના ગ્રૅન્ડ પ્રેઇરી સ્ટેડિયમમાં ગ્રૂપ ‘એ’માં યજમાન અમેરિકા (USA)એ શનિવારે (ભારતીય સમય મુજબ રવિવારે સવારે) કટ્ટર હરીફ કૅનેડા (Canada)ને પ્રારંભિક મૅચમાં 14 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું.

આ પહેલી જ મૅચમાં કેટલાક મહત્ત્વના વિક્રમ બન્યા હતા. અમેરિકાનો બૅટર આરૉન જોન્સ (94 અણનમ, 40 બૉલ, દસ સિક્સર, ચાર ફોર) છ રન માટે ઐતિહાસિક સદી ચૂકી ગયો હતો, પણ તેણે એક મૅચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની રેકૉર્ડ-બુકમાં પોતાનું નામ ક્રિસ ગેઇલ પછી લખાવી દીધું હતું. તેણે જે સિદ્ધિ મેળવી એ આ પહેલાં રોહિત શર્મા કે વિરાટ કોહલી કે એમએસ ધોની સહિત ઘણા દિગ્ગજો નથી મેળવી શક્યા.

અમેરિકાએ 195 રનનો લક્ષ્યાંક મળ્યા પછી 17.4 ઓવરમાં ત્રણ વિકેટે 197 રન બનાવીને પહેલા બે પૉઇન્ટ પોતાના કબજામાં કર્યા હતા. ન્યૂ યૉર્કમાં જન્મેલો અશ્ર્વેત ખેલાડી આરૉન જોન્સ આ મૅચનો સુપરસ્ટાર હતો. તે ચોથા નંબર પર બૅટિંગમાં આવ્યો હતો અને તૂફાની બૅટિંગમાં તેણે 10 સિક્સર ફટકારી હતી. ટી-20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં 10 કે વધુ સિક્સર ફટકારનારાઓમાં તે બીજા નંબરે છે.

ક્રિસ ગેઇલે 2016ના વિશ્ર્વ કપમાં વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં 11 છગ્ગાની મદદથી 48 બૉલમાં અણનમ 100 રન અને એ પહેલાં 2007ના વર્લ્ડ કપમાં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે 57 બૉલમાં 10 સિક્સર સાથે 117 રન બનાવ્યા હતા.

શનિવારે અમેરિકાના આરૉન જોન્સ અને ઍન્ડ્રિસ ગૌસ (65 રન, 46 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી થઈ હતી જે ટી-20 ઇન્ટરનૅશનલમાં અમેરિકા માટે નવો વિક્રમ છે. આ પાર્ટનરશિપ 14.29ના રનરેટથી બની હતી.

આ પણ વાંચો: T20 World Cup : ગાંગુલીએ દ્રવિડને કહ્યું, “હું જ્યારે રોહિતની અને વિરાટની પત્નીને જોઉં છું ત્યારે….

અમેરિકાએ ટી-20 ઇન્ટરનૅશનલમાં પહેલી વાર 190થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. એક રીતે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 195 રન ત્રીજો સફળ ચેઝ છે. આ રેકૉર્ડ-બુકમાં ઇંગ્લૅન્ડ (2016માં સાઉથ આફ્રિકા સામે વાનખેડેમાં 230 રન) પ્રથમ સ્થાને અને સાઉથ આફ્રિકા (2007માં વેસ્ટ ઇન્ડિઝ સામે જોહનિસબર્ગમાં 206 રન) બીજા સ્થાને છે.

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી મોંઘી ઓવરની રેકૉર્ડ-બુકમાં કૅનેડાનો જેરેમી ગૉર્ડન બીજા નંબર છે. તેની એક ઓવરમાં 6, 4, 6, 4 સહિત કુલ 33 રન બન્યા હતા. ઇંગ્લૅન્ડનો નિવૃત્ત બોલર સ્ટુઅર્ટ બ્રૉડ (36 રન, 2007માં ડરબનમાં ભારત સામે) આ લિસ્ટમાં મોખરે છે.

અમેરિકા વતી કૅપ્ટન મોનાંક પટેલે 16 રન બનાવ્યા હતા. તેની અને ગૌસ વચ્ચે બીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી થઈ હતી. ન્યૂ ઝીલૅન્ડ છોડીને હવે અમેરિકા વતી રમતો કૉરી ઍન્ડરસન ત્રણ રને અણનમ રહ્યો હતો. એ પહેલાં તેણે કૅનેડાની એક વિકેટ પણ લીધી હતી. તેણે કૅનેડાના ટૉપ સ્કોરર નવનીત ધાલીવાલને કૅચઆઉટ કરાવ્યો હતો.

શનિવારે અમેરિકાએ વિજય મેળવ્યો એ પહેલાં અમેરિકાના કૅપ્ટન મોનાંક પટેલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. કૅનેડાએ પ્રથમ બૅટિંગ મળતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 194 રન બનાવ્યા હતા જેમાં ચંડીગઢમાં જન્મેલા ભારતીય મૂળના ઓપનર નવનીત ધાલીવાલના 61 રન, નિકોલસ કિર્ટનના 51 રન અને ભારતીય મૂળના વિકેટકીપર શ્રેયસ મૉવ્વાના અણનમ 32 રન સામેલ હતા. નવનીત ધાલીવાલે 61 રન 44 બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી બનાવ્યા હતા. શ્રેયસના અણનમ 32 રન 16 બૉલમાં બે સિક્સર, બે ફોરની મદદથી બન્યા હતા.

અમેરિકાના આરૉન જોન્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

આખી મૅચમાં અમેરિકાના ત્રણ અને કૅનેડાના ત્રણ બોલરને એક-એક વિકેટ મળી હતી. એમાં અમેરિકાના અલી ખાન, મુંબઈમાં જન્મેલા લેફ્ટ-આર્મ સ્પિનર હરમીત સિંહ તથા કૉરી ઍન્ડરસનનો અને કૅનેડાના કલીમ સના, ડિલૉન હેલિગર અને નિખીલ દત્તાનો સમાવેશ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ